8 વર્ષમાં પહેલી જ વાર માઈક્રોસોફ્ટની માર્કેટ વેલ્યૂ એપલ કરતાં વધી ગઈ

ન્યુયોર્ક – અમેરિકન શેરબજારમાં માઈક્રોસોફ્ટ કોર્પની સ્ટોક માર્કેટ વેલ્યૂ આઠ વર્ષમાં પહેલી જ વાર, ગયા શુક્રવારે એપલ કંપનીની માર્કેટ વેલ્યૂ કરતાં ઉંચી રહી હતી.

વિન્ડોઝ ઉત્પાદક માઈક્રોસોફ્ટના શેરને ક્લાઉડ કમ્પ્યુટિંગ ક્ષેત્રમાં થયેલી વૃદ્ધિને કારણે ફાયદો થયો છે જ્યારે આઈફોનની ડિમાન્ડ વિશે ઈન્વેસ્ટરોમાં ચિંતા પ્રસરી હોવાને કારણે એપલનો શેર તૂટ્યો છે.

ગયા સપ્તાહાંતે માઈક્રોસોફ્ટનો શેર 0.6 ટકા વધીને 110.89 ડોલરનો બંધ રહ્યો હતો જે સાથે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 851.2 અબજ ડોલરનું થયું છે.

બીજી બાજુ, એપલનો શેર 0.5 ટકા તૂટીને 178.58 ડોલરનો બંધ રહ્યો હતો. એની માર્કેટ વેલ્યૂ 847.4 અબજ ડોલર છે.

બંને શેર વચ્ચે સપ્તાહ દરમિયાન ટોચનું સ્થાન મેળવવા માટે હુંસાતુંસી જોવા મળી હતી અને ઈન્ટ્રા-ડે સોદાઓમાં માઈક્રોસોફ્ટની માર્કેટ વેલ્યૂ અનેક વાર એપલ કરતાં આગળ નીકળી હતી.

એપલે 2010માં માઈક્રોસોફ્ટની માર્કેટ વેલ્યૂને પાછળ રાખી દીધી હતી. એ વખતે માર્કેટમાં આઈફોન જેવા સ્માર્ટફોનના આક્રમણને લીધે પર્સનલ કમ્પ્યુટર્સ (પીસી)ની ડીમાન્ડ ધીમી પડી જતાં માઈક્રોસોફ્ટને ફટકો પડ્યો હતો.

2014માં સત્યા નડેલાએ માઈક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યૂટિવ તરીકે સુકાન સંભાળ્યા બાદ માઈક્રોસોફ્ટે પીસી માટે વિન્ડોઝ સોફ્ટવેર પર એની નિર્ભરતા ઘટાડી હતી અને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં મોટી પ્લેયર બની હતી. એ વખતે એમેઝોન નંબર-વન હતી.