અમદાવાદઃ સેન્સેક્સ અને નિફ્ટી સતત ચોથા સેશનમાં નરમ બંધ રહ્યા હતા. લોકસભા ચૂંટણીમાં સાત તબક્કાનું મતદાન હજી બાકી છે અને એ પછી ચોથી જૂને ચૂંટણી પરિણામો વિશેની અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાને કારણે રોકાણકારોએ શેરોમાં સાવચેતીરૂપી નફારૂપી વેચવાલી કાઢી હતી. મિડકેપ ઇન્ડેક્સ પણ ઘટીને બંધ થયો હતો. નિફ્ટી બેન્ક એક ટકો ઘટીને બંધ થયો હતો.બજારમાં ટ્રેડિંગ સેશનમાં IT શેરો અને નાણાકીય શેરોની આગેવાની હેઠળ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આ સાથે કંપની પરિણામોની સીઝન પૂરી થવા આવી છે, જેથી પણ બજારમાં વેચવાલી ફરી વળી હતી. BSE સેન્સેક્સ 668 પોઇન્ટ તૂટીને 74,503ના મથાળે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 183 પોઇન્ટ તૂટીને 22,704ની સપાટીએ બંધ રહ્યો હતો.
લોકસભા ચૂંટણીમાં જો મોદી સરકારને 303 સીટો હાંસલ થશે તો શેરોમાં તેજી જોવા મળશે. સરકાર નીતિ વિષયક આકરા નિર્ણયો ત્રીજી મુદ્દતમાં લઈ શકશે, પણ જો સીટો ઓછી મળશે તો બજારમાં ટૂંકા ગાળા માટે અસમંજસતા ફેલાશે અને થોડો સમય અનિશ્ચિતતા પ્રવર્તશે. આમ પણ વિદેશી રોકાણકારો હાલ પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે, એમ બ્લુમબર્ગનો અહેવાલ કહે છે.
શેરબજારમાં હાલ ઇન્ટ્રા-ડેમાં ઘણા ઉતારચઢાવ જોવા મળ્યા છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે હાલ નાના રોકાણકારોએ શોર્ટ ટર્મ માટે શેરોની ખરીદીમાંથી બચવાની જરૂર છે. બજારમાં ચૂંટણી પરિણામોને લઈને ઉતારચઢાવ જોવા મળે છે. રોકાણકારોએ હાલ થોભો અને રાહ જુઓની નીતિ અખત્યાર કરવાની જરૂર છે.