વર્તમાન આર્થિક મંદી અભૂતપૂર્વ સ્થિતિ, 70 વર્ષમાં ક્યારેય આવું નથી થયુંઃ નીતિ આયોગ અધ્યક્ષ…

નવી દિલ્હીઃ નીતી આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે સરકારને પ્રાઈવેટ કંપનીઓને ભરોસામાં લેવાની સલાહ આપી છે. રાજીવ કુમારે કહ્યું કે કોઈએ પણ છેલ્લા 70 વર્ષમાં આવી સ્થિતિનો સામનો કર્યો નથી કે જયારે સમગ્ર નણાકીય સિસ્ટમ જોખમમાં હોય. રાજીવ કુમારના જણાવ્યા પ્રમાણે નોટબંધી અને જીએસટી બાદ કેશ સંકટ વધ્યું છે.

રાજીવ કુમારે આગળ કહ્યું કે આજે કોઈ કોના પર પણ ભરોસો કરી રહ્યું નથી. પ્રાઈવેટ સેકટરની અંદર કોઈ લોન આપવા તૈયાર નથી, દરેક કેશ દબાઈને બેઠા છે. આ સિવાય રાજીવ કુમારે સરકારને કઈક અલગ પ્રકારના પગલા ભરવાની પણ સલાહ આપી છે. રાજીવ કુમારના જણાવ્યા પ્રમાણે નોટબંધી, જીએસટી અને આઈબીસી( દેવાળિયા કાયદા) બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. પહેલા 35 ટકા કેશ ઉપલબ્ધ હતી, જે હવે ખૂબ જ ઓછી થઈ ગઈ છે. આ તમામ કારણોથી સ્થિતિ ખૂબ જ જટિલ થઈ ગઈ છે.

રાજીવ કુમારે આ નિવેદન એવા સમયે આપ્યું છે જયારે તાજેતરમાં જ મુખ્ય આર્થિક સલાહકાર કે.સુબ્રમણ્યમે પ્રાઈવેટ સેકટરની કંપનીઓને માઈન્ડસેટ બદલવાની સલાહ આપી છે. સુબ્રમણ્યમે પ્રાઈવેટ કંપનીઓને કહ્યું કે એક પુખ્તવયની વ્યક્તિ સતત તેના પિતા પાસે મદદ ન માંગી શકે. તમારે આ જ વિચારધારાને બદલવાની છે. તમે એ વિચારધારા રાખી શકશો નહિ કે નફો પોતે લઈ લઉં અને ખોટના બોજાને બીજા પર ઢોળી દઉં.

અર્થવ્યવસ્થામાં સુસ્તીને લઈને રાજીવ કુમારે કહ્યું કે આ 2009-2014 દરમિયાન વિચાર્યા વગર આપવામાં આવેલી લોનનું પરિણામ છે. તેના કારણે 2014 બાદ નોન પરફોર્મિંગ એસેટ(NPA)પણ વધી છે. આ કારણે બેન્કોની નવી લોન આપવાની ક્ષમતામાં ઘટાડો થયો છે. તેની કમીની ભરપાઈ નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓ(NBFC)એ કરી છે. આ કારણે લોનમાં 25 ટકા વૃદ્ધિ થઈ છે. જોકે તેમણે એ પણ કહ્યું છે કે નાણાકીય ક્ષેત્રના પ્રેશરમાંથી બહાર આવવા અને આર્થિક વૃદ્ધિને ગતિ માટે કેન્દ્રીય બજેટમાં કેટલાક પગલાઓ જાહેરાત કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]