અમદાવાદમાં વધુ એકવાર મેગા ડ્રાઈવ, થઈ આ જાણીતી દુકાનો સીલ

અમદાવાદઃ વધુ એકવાર અમદાવાદ પોલિસ તેમ જ દબાણ ખાતાં દ્વારા મેગા એન્ટિ એનક્રોચમેન્ટ ડ્રાઈવની કામગીરી કરવામાં આવી રહી છે. જે હેઠળ અમદાવાદના એવા ભરચક વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી રહી છે જ્યાં દુકાનોના કારણે ટ્રાફિક જામ જોવા મળે છે. અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ એમ બંને વિભાગો દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં ગેરકાયદે પાર્કિગ કરનારા પર પણ તવાઈ બોલાવાઈ છે.
દબાણ હટાવની આ કામગીરીમાં નહેરુરુનગર વિસ્તારમાં સર્કલ પર ટ્રાફિકજામને લઇને આ સર્કલ પર આવેલી અતિજાણીતી એવી ફરસાણની દુકાન ગાંઠીયારથ પણ સીલ કરી દેવામાં આવી છે. ઉપરાંત અન્ય દુકાનો પણ સીલ કરવામાં આવી છે.
તો પૂર્વમાં આવી કામગીરીમાં રખિયાલ પોલીસ સ્ટેશન તથા H ટ્રાફિક પોલીસ સ્ટેશન અને દબાણખાતાંના કર્મચારીઓ દ્વારા અસામાજિક તત્વોનો ઉપદ્રવ છે તેવા અજીત મિલ કમ્પાઉન્ડથી લઇ રખિયાલ સુધી મેગા ડ્રાઇવ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અનેકવાર દબાણ ખાતાં દ્વારા કાર્યવાહી કરી રસ્તાઓ ખુલ્લાં કરાવાય છે પરંતુ સમયાંતરે થતી આવી કાર્યવાહીને લઇને થોડાક જ દિવસોમાં પાછાં દબાણો ઊભાં થઈ જતાં જોવા મળે છે. નાગરિકોની ફરિયાદોનું પ્રમાણ વધતાં તંત્ર દ્વારા ફરી ડિમોલિશન ડ્રાઈવના આયોજન કરીને દબાણો હટાવવામાં આવે છે. આજની ડ્રાઈવમાં બપોર સુધીમાં તંત્રએ સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 16 એકમ સીલ કર્યાં હતાં.