મુંબઈ – દેશમાં ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય એરલાઈન કંપની જેટ એરવેઝ સખત નાણાંભીડમાં સપડાઈ છે. લીઝનાં ભાડાંની રકમ ન ચૂકવી હોવાથી એને તેના બોઈંગ 737 વિમાનોનાં કાફલામાંના 3 વિમાનને સેવામાંથી હટાવી લેવાની ફરજ પડી છે. આને પરિણામે એને આશરે 20 સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવી પડી છે.
વધુ ત્રણ વિમાનને સેવામાંથી હટાવી લેવા પડતાં લીઝનાં ભાડાંની ચૂકવણી ન થવાને લીધે સેવામાંથી દૂર કરી દેવાયેલા વિમાનોની સંખ્યા વધીને 6 થઈ છે. જેટ એરવેઝને આમ છેલ્લા બે દિવસમાં કુલ છ વિમાનને હટાવી લેવા પડ્યા છે.
સૂત્રોનું કહેવું છે કે જેટ એરવેઝે વિમાનો લીઝ પર લીધા છે. એનું ભાડું ચૂકવવામાં એ નિષ્ફળ ગઈ છે. તેથી એને વધુ 3 અને કુલ 6 વિમાન સેવામાંથી હટાવી લેવાની ફરજ પડી છે.
આ અંગે જેટ એરવેઝ તરફથી કોઈ જવાબ રિલીઝ કરાયો નથી.
જેટ એરવેઝ છેલ્લા ઘણા મહિનાઓથી આર્થિક કટોકટીમાં સપડાઈ છે.
આ એરલાઈન આર્થિક સંકટમાંથી ઉગરવા માટે એની પાર્ટનર કંપની ઈતિહાદ એરવેઝ સાથે વાટાઘાટ કરી રહી છે કે તે એને અતિરિક્ત નાણાં પૂરાં પાડે.
જેટ એરવેઝને મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, પુણે, હૈદરાબાદ, પોર્ટ બ્લેર, બેંગલુરુ શહેરોથી ઉપડતી અને આવતી 19 ફ્લાઈટ્સને રદ કરવી પડી છે.