36 હજાર કરોડના ખર્ચે દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનાવશે યોગી સરકાર

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની રાજ્ય કેબિનેટે ગંગા એક્સપ્રેસ-વે બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. આ એક્સપ્રેસ વે પ્રયાગરાજને વેસ્ટર્ન યૂપી સાથે જોડશે. તેમણે દાવો કર્યો કે આ દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે જેની કુલ લંબાઈ 600 કિલોમીટર હશે. આ એક્સપ્રેસ વે માટે 6556 હેક્ટર જમીનની જરુર પડશે. આ પ્રોજેક્ટ પર કુલ ખર્ચ 36 હજાર કરોડ રુપિયા થશે.

પ્રયાગરાજમાં યોગી આદિત્યનાથે જણાવ્યું કે ગંગા એક્સપ્રેસ વે મેરઠ, અમરોહા, બુલંદશહેર, બદાયૂં, શાહજહાંપુર, કન્નૌજ, ઉન્નાવ, પ્રતાપગઢ જિલ્લામાંથી પસાર થઈને પ્રયાગરાજ પહોંચશે. યોગી આદિત્યનાથે જણાવ્યું કે કેબિનેટે સર્જિકલ સ્ટ્રાઈક પર બનેલી ફિલ્મ ઉરીને સ્ટેટ જીએસટી ફ્રી કરવાનો પણ નિર્ણય કર્યો છે.

આ પહેલાં કેન્દ્ર સરકારે ઉત્તરપ્રદેશના કાશી અને કોલકત્તા વચ્ચે એક્સપ્રેસ-વે બનાવવાની જાહેરાત કરી હતી. આ એક્સપ્રેસ વેનું નિર્માણ ભારતમાલા પ્રોજેક્ટના બીજા ચરણ અંતર્ગત કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાશી અને કોલકાતાને જોડવા માટે આશરે 600 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. આ એક્સપ્રેસ વે ઝારખંડના રાંચી સહિત ઘણા પ્રમુખ શહેરોમાંથી પસાર થશે જેનાથી આ શહેરોને પણ ફાયદો થશે. ભારતમાલા પ્રોજેક્ટના બીજા ચરણ અંતર્ગત ભોળાનાથની નગરી કાશી અને ગુરુ ગોરખનાથની નગરી ગોરખપુર વચ્ચે પણ એક નવો હાઈવે બનાવવામાં આવશે. આનાથી આ બંને શહેરોના શ્રદ્ધાળુઓને ફાયદો થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]