નાણાપ્રધાન નિર્મલા સીતારામને વ્યક્તિગત કરવેરા બાબતે કોઈ ફેરફાર નહીં કર્યો હોવાથી નોકરિયાત વર્ગને ઘોર નિરાશા સાંપડી છે. તેમણે આવકના સ્લેબને યથાવત્ રાખ્યા છે.
કોરોના કાળમાં રોજગાર બાબતે મધ્યમ વર્ગને ઘણો મોટો ફટકો પડયો છે અને આવકના સ્ત્રોતો પણ ઘટી ગયા છે, એવા સંજોગોમાં સરકાર પાસેથી મોટા ફેરફારની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ સરકારે કોઈ જ રાહત આપી નથી.
સીતારામને જાહેર કર્યા મુજબ હાઉસિંગ લોન પરના વ્યાજ માટે આપવામાં આવેલી વધારાની 1.5 લાખ રૂપિયાની કરમુક્તિ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. તેનો અર્થ એવો થયો કે આ લાભ હવે 31 માર્ચ, 2022 સુધી લઈ શકાશે.
નાણાપ્રધાને જાહેર કરેલી કેટલીક જોગવાઇઓ ફક્ત રાહત પૂરતી છે અને એનાથી મધ્યમ વર્ગને કોઈ મોટો લાભ થાય એવું નથી. વરિષ્ઠ નાગરિકો માટે સરકારે જાહેર કર્યું છે કે જેમને ફક્ત પેન્શન અને વ્યાજની આવક હશે એવા 75 વર્ષથી વધુ ઉમરના વરિષ્ઠ નાગરિકોએ હવે આવકવેરા રિટર્ન ભરવું નહીં પડે.
બજેટમાં કરાયેલી જોગવાઈ મુજબ વ્યક્તિગત રોકાણકારોની કેપિટલ ગેઈન્સ, ડિવિડન્ડ તથા બૅન્કો અને પોસ્ટ ઓફિસોમાંથી મળતા વ્યાજની આવકની રકમ આવકવેરાના રિટર્નમાં પહેલેથી ભરીને આપવામાં આવશે.
બજેટમાં જાહેર કરાયા મુજબ ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં પણ હવે ઓનલાઇન કાર્યવાહી થશે, જેથી તેના પારદર્શકતા આવી શકે.
50 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક ધરાવતા નાના કરદાતાઓ માટે તકરાર નિવારણ સમિતિની રચના કરવામાં આવશે, એવું નાણાપ્રધાને જાહેર કર્યું છે. તેમણે જણાવ્યા મુજબ આવકવેરાનું એસેસમેન્ટ ફરીથી ખોલવાની સમયમર્યાદા ૬ વર્ષથી ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે કિસ્સાઓમાં છુપાવેલી આવકનું પ્રમાણ 50 લાખ રૂપિયા કે તેનાથી વધુ હશે એવા ગંભીર કિસ્સાઓમાં જ એસેસમેન્ટ ફરીથી ખોલવાની સમયમર્યાદા દસ વર્ષની રહેશે. નાણાપ્રધાને જાહેર કર્યા મુજબ 1.10 કરદાતાઓએ પ્રત્યક્ષ કરવેરાની વિવાદ સે વિશ્વાસ યોજનાનો લાભ લીધો છે.
પ્રોવિડન્ટ ફંડમાં વાર્ષિક અઢી લાખ રૂપિયા કરતાં વધુ યોગદાન પર મળનારું વ્યાજ કરપાત્ર બનશે
વર્ષેદહાડે પ્રોવિડન્ટ ફંડમાં અઢી લાખ રૂપિયા કરતાં વધારે રકમ જમા કરવામાં આવશે તો વધારાની વ્યાજની આવક પર આવતા નાણાકીય વર્ષથી અર્થાત્ 2021-22થી કરમુક્તિ આપવામાં નહીં આવે, એવી જાહેરાત નાણાપ્રધાન નિર્મલા સીતારામને કરી છે.
અત્યાર સુધી પ્રોવિડન્ટ ફંડ પર મળતા તમામ વ્યાજને આવકવેરામાંથી કરમુક્તિનો લાભ આપવામાં આવી રહ્યો છે, પરંતુ હવે અઢી લાખ રૂપિયા કરતાં વધારે યોગદાન હશે તો વધારાના વ્યાજ પર કરમુક્તિ નહીં મળે. આમ, વધારાના વ્યાજની આવક કરપાત્ર બનશે.
નાણા પ્રધાને બજેટ ભાષણમાં કહ્યું હતું કે પ્રોવિડન્ટ ફંડ કર્મચારીઓના કલ્યાણ માટે હોય છે અને તેના પર નિશ્ચિત વ્યાજ આપવામાં આવે છે. એ ઉપરાંત કર લાભ પણ મળે છે. ઘણી વાર ઊંચી આવક ધરાવનારાઓ મોટી રકમ જમા કરીને નિશ્ચિત વળતરની સાથે સાથે કરમુક્તિ મેળવે છે, પરંતુ એ યોગ્ય નહીં હોવાથી ઉક્ત મર્યાદા લાગુ કરવામાં આવી છે.
યુલિપની પાકતી રકમને પણ કરમુક્તિનો મર્યાદિત લાભ મળશે
સરકારે જાહેર કર્યા મુજબ જો યુનિટ લિંક્ડ ઇન્સ્યૉરન્સ પ્લાન (યુલિપ)માં પાકતી રકમ એ જ સંજોગોમાં કરમુક્ત હશે જ્યારે વાર્ષિક પ્રીમિયમ 2.5 લાખ રૂપિયા કરતાં વધુ ન હોય. 2021-22ના બજેટમાં જાહેર કરાયું છે કે આવક વેરા ખાતાની કલમ 10(10ડી)માં ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ (એચએનઆઇ) પ્રીમિયમની મોટી રકમ ભરીને કરમુક્તિનો અનુચિત લાભ મેળવે નહીં. જે યુલિપ પ્લાનમાં વાર્ષિક પ્રીમિયમ 2.5 લાખ રૂપિયા કરતાં વધારે હશે તેને કરમુક્તિ નહીં મળે. એ પ્લાનની આવક પર 10 ટકા લેખે કૅપિટલ ગેઇન લાગુ થશે. આ પ્લાનને કરવેરા બાબતે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સમકક્ષ લેખવામાં આવશે.