નવી દિલ્હીઃ હજી ગરમીની સીઝન શરૂ નથી, ત્યાં દેશના કેટલાય ભાગોમાંથી પાણીની ખેંચના સમાચાર આવી રહ્યા છે. બીજી બાજુ, સતત આપણે ટોચના ચોખાના નિકાસકાર છીએ. આ બંને વાતોનું સીધું કનેક્શન છે. વર્ષ 2014-15માં ભારતે 37 લાખ ટન બાસમતી ચોખા અન્ય દેશોને નિકાસ કર્યા હતા, પણ એની સાથે 10 લાખ કરોડ (ટ્રિલિયન) લિટર પાણી પણ જતું રહ્યું હતું. આ એ પાણી છે, જે ચોખાની ખેતીમાં વપરાશ થયું હતું. અનેક દેશોએ આવી ઊપજ બંધ કરી છે, જે વધુ પાણી પીતી હોય.
જોકોઈ દેશ અથવા કંપની કોઈ એવી પ્રોડક્ટ બનાવે છે, જે વધુ પાણી વાપરે છે તો એ કંપની પર જ બોજ નથી, પરંતુ એની અસર દેશ અને દુનિયા પર થાય છે, કેમ કે જમીનથી પાણી ઘટતું જાય છે. જેમ કર્ણાટક અને પંજાબમાં હાલ પાણીની ખેંચ છે. ત્યાં શેરડી અને ચોખાની ઊપજનું પરિણામ પણ છે.
90ના દાયકામાં અનેક દેશોએ એક નવું કામ કર્યું છે. એમની પાસે ઊપજવાળી જમીન હતી અને પાણી પણ હતું, પરંતુ તેમણે ખેતીમાં –ખાસ કરીને ચોખા, કપાસ અને શેરડીના વાવેતરમાં ઘટાડો કર્યો હતો. તેઓ આ ચીજવસ્તુઓ ભારે કિંમત આપીને અન્ય દેશોથી ખરીદવા લાગ્યા હતા, પણ એમને એમાં નુકસાન નહોતું થયું. બલકે લાંબા સમયની વ્યૂહરચના હતી, ગણતરી હતી. તેઓ તેમના દેશમાં પાણી બચાવીને અન્ય દેશોમાં જળસંકટ પેદા કરી રહ્યા હતા.
પ્રોફેશનલ સર્વિસ કંપની વોટરહાઉસ કૂપર્સના જણાવ્યા મુજબ મિડલ ઇસ્ટના દેશો 85 ટકા ફૂડ અન્ય દેશોથી મગાવે છે, એમાં અનાજની સાથે માંસ, ફળો-શાકભાજી સામેલ છે. મેક્સિકો પણ મકાઈની આયાત દ્વારા પ્રતિ વર્ષ 12 અબજ ક્યુબિક ટન પાણી બચાવે છે. યુરોપના મોટા ભાગના વિસ્તારોમાં પાણીની અછત નથી, કેમ કે ત્યાં 40 ટકા ઉત્પાદનો અથવા અનાજ બહારથી મગાવવામાં આવી રહ્યાં છે.કૃષિ ક્ષેત્રે એક કિલોગ્રામ કપાસ ઉગાડવા માટે 10,000 લિટર પાણીની જરૂર પડે છે. એ જ રીતે એક કિલો અનાજ ઉગાડવા માટે ત્રણથી પાંચ હજાર લિટર પાણીની જરૂર પડે છે. શેરડીના પાક માટે 1500થી 2500 મિલીમીટર પાણીની જરૂર પડે છે અને એક કિલોગ્રામ સોયાબીનની ઊપજ માટે આશરે 900 લિટર પાણીની જરૂર પડે છે.