ભારતનો આર્થિક વિકાસ ગતિ પકડી રહ્યો છેઃ વર્લ્ડ બેન્કનું અનુમાન

વોશિંગ્ટન – ભારતમાં આર્થિક વિકાસ ઝડપી બન્યો છે અને 2018-19ના નાણાકીય વર્ષમાં એ 7.3 ટકાનો દર હાંસલ કરે એવી ધારણા છે અને આગામી બે વર્ષમાં આ દર વધીને 7.5 ટકાનો થશે. આવું અનુમાન વિશ્વ બેન્કે કર્યું છે.

જાગતિક બેન્કનું કહેવું છે કે નોટબંધી અને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ કરાવાથી કામચલાઉ સ્તરે જે અવરોધો ઊભા થયા હતા એમાંથી હવે ભારતીય અર્થતંત્ર રીકવર થઈ ગયું હોય એવું લાગે છે.

તે છતાં, અમુક સ્થાનિક જોખમો તથા બાહ્ય પર્યાવરણીય માઠી અસરને નજરઅંદાઝ કરી શકાય નહીં, એમ પણ વર્લ્ડ બેન્કે કહ્યું છે.

નાણાકીય વર્ષ 2017-18માં ભારતનો આર્થિક વિકાસ દર 6.7 ટકા રહ્યો હતો. તાજેતરના મહિનાઓમાં એમાં નોંધનીય ગતિ જોવા મળી છે, એવું વર્લ્ડ બેન્ક દક્ષિણ એશિયાના દેશો અંગેના તેના નવા અહેવાલમાં કહે છે.

નાણાકીય વર્ષ 2018-19માં ભારતનો આર્થિક વિકાસ દર 7.3 ટકા પર પહોંચે એવી ધારણા છે અને ખાનગી ક્ષેત્ર દ્વારા જંગી મૂડીરોકાણ તેમજ નિકાસમાં ખૂબ ઉછાળો આવ્યો હોવાથી આગામી બે વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 7.5 ટકાના આંકે પહોંચી જશે એવી ધારણા છે, એવું વર્લ્ડ બેન્કનું માનવું છે.