રેલવેના આ પગલાંથી સમયસર ચાલશે ટ્રેનો

નવી દિલ્હીઃ રેલવેએ હવે ટ્રેકની દેખરેખ અને તેના મેન્ટેનન્સ માટે આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સની મદદ લેવાનું નક્કી કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે રેલવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી રેલવે ટ્રેકનું રિપેરીંગ કામ અને મેન્ટેનન્સ કેલેન્ડર તૈયાર કરશે. આનાથી ટ્રેનોના આવવા જવાના સમયમાં સુધારો આવશે અને લગભગ ટ્રેનો મોડી નહીં પડે. ભારતમાં અનિયમિત મેન્ટેનન્સને લઈને ટ્રેનો સામાન્ય રીતે પોતાના નિયત સમય કરતા મોડી ચાલતી હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આર્ટિફિશિયલ ઈન્શ્યોરન્સને લઈને ઓછામા ઓછી 90 ટકા ટ્રેનોનું સંચાલન યોગ્ય સમય પર થઈ શકશે. રેલવે આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સની મદદથી પહેલા જ મેન્ટેનન્સનું કેલેન્ડર તૈયાર કરી શકશે અને આ પ્લાનિંગને લઈને ટ્રેનો પોતાના નિયત સમય પર ચાલશે. પ્રાપ્ત વિગતો અનુસાર તમામ મોટા મેન્ટેનન્સ બ્લોક પર માત્ર રવિવારે જ કામ થશે જેથી ટ્રેનોના સમયને સાચવી શકાય અને ટ્રેનો મોડી ન પડે.

આપને જણાવી દઈએ કે પહેલાથી રેલવે ટ્રેકમાં કોઈપણ પ્રકારની ખામીની તપાસ માટે ઓટોમેટિક ટ્રેક ડિટેક્શન મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યારે આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ દ્વારા રેલવે ટ્રેક અને ટ્રેક જોઈન્ટના ક્ષમતા અને તેના આયુષ્યનું પણ અનુમાન લગાવી શકાશે. આ પગલાને લઈને રેલવે અકસ્માતોને ઓછા કરવામાં પણ મદદ પ્રાપ્ત થશે. પ્રાપ્ત માહિતી અનુસાર આના દ્વારા નિયમિત અને યોજનાબદ્ધ મેન્ટેનન્સથી કામ કરી શકાશે.