જેલમાં નવાઝ શરીફને મળશે આ સુવિધાઓ, પણ ચૂકવવા પડશે રુપિયા

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરીયમ નવાઝની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. ગત રાત્રે બન્ને લાહોર પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ ઉપર જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાંથી તેમને રાવલપિંડીમાં સ્થિત સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે નવાઝ શરીફને જેલમાં પણ કેટલીક સુવિધાઓ આપવામાં આવશે.નવાઝ શરીફને આદિયાલા જેલમાં રાખવામાં આવ્યા છે. આદિયાલા જેલ રાવલપિંડીની સેન્ટ્રલ જેલ છે. આ જેલમાં મર્યાદિત સુવિધાઓ છે. જેલમાં પુસ્તકો અને અખબારો ઉપરાંત ટેલિવિઝન, એક ટેબલ અને એક ખુરશી, એક ગાદલું, વ્યક્તિગત બેડ તેમજ કપડાં ધોવાની અને જમવાની સુવિધાઓ આપવામાં આવી છે. પરંતુ આ સુવિધઆઓ માટે કેદીઓએ ચૂકવણી કરવી પડે છે. આ ઉપરાંત જેલની અંદર એર કન્ડીશનર અથવા ફ્રીઝની સુવિધાઓ આપવામાં આવી નથી.

પાકિસ્તાન સરકાર નવાઝ શરીફને જેલના નિયમો ઉપરાંત સુવિધા આપી શકતી નથી. પરંતુ નવાઝ શરીફ અને તેના પરિવારના સભ્યોને હાઈ પ્રોફાઈલ કેદી તરીકે રાખવામાં આવશે. જ્યાં તેમના માટે પર્યાપ્ત સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. આ ઉપરાંત જો પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અનુરોધ કરે તો, પૂર્વ સાંસદ તરીકે તેમને વધુ સારા વર્ગની કેટેગરીની જેલમાં મોકલવામાં આવી શકે છે. જોકે, તેમની પુત્રી મરીયમ નવાઝને આ સુવિધા ફક્ત ત્યારે જ મળશે જ્યારે તેઓ સાબિત કરશે કે, તેમણે આવકવેરા તરીકે વાર્ષિક ઓછામાં ઓછા છ લાખ રૂપિયા ચૂકવ્યા છે.