RSS વિચારક રાકેશ સિન્હા સહિત ચાર લોકોને રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે નામાંકિત કર્યા

નવી દિલ્હી- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યસભા માટે ચાર નવા સભ્યોને નામાંકિત કર્યા છે. જેમાં RSSના વિચારક રાકેશ સિન્હા, ખેડૂત આગેવાન રામ શકલ, શિલ્પકાર રઘુનાથ મહાપાત્રા અને શાસ્ત્રીય નૃત્યાંગના સોનલ માનસિંહના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, ગત કેટલાક દિવસોથી ઉપરોક્ત તમામ વ્યક્તિઓ રાજ્યસભામાં જશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો. જોકે હવે કેન્દ્ર સરકારે આ ચારેય નામ પસંદ કરી રાષ્ટ્રપતિને મોકલી આપ્યા હતા જેમના ઉપર પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદે સ્વીકૃતિ આપી દીધી છે. આપને જણાવી દઈએ કે, રાકેશ સિન્હાને RSSના વિચારક તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ તમામ સમાચાર ચેનલ પર સરકાર અને RSSનો પક્ષ રજૂ કરે છે.

નામાંકિત કરાયેલા ચારેય મહાનુભાવો દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવે છે. અને તેઓ પોત-પોતાના ક્ષેત્રમાં પ્રખ્યાત છે. 2019ની લોકસભાની ચૂંટણીને લઈને આ પગલાંને સરકારનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. રામ શકલ ઉત્તર પ્રદેશથી આવે છે. તેઓ જાણીતા ખેડૂત નેતા છે. રાકેશ સિન્હા સંઘ વિચારક છે. તેઓ ટીવી ચેનલો પર RSSનો પક્ષ રજૂ કરતા રહ્યાં છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. સોનલ માનસિંહ વિખ્યાત ડાન્સર છે. જ્યારે રઘુનાથ મહાપાત્રા ઓડિશાથી આવે છે. અને તેઓ જાણીતા શિલ્પકાર છે.