નવી દિલ્હીઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું વહીવટીતંત્ર કોરોના રોગચાળા માટે બીજિંગને દોષી ગણાવી રહ્યા છે. ટ્રમ્પે કોરોના વાઇરસને પર્લ હાર્બર અને 9/11ના હુમલા કરતાં પણ જીવલેણ હુમલો ગણાવ્યો છે અને આ માટે ટ્રમ્પને ચીન માટે ભારોભાર ગુસ્સો છે. હવે બેની લડાઈંમાં ત્રીજો ફાવે એ ન્યાયે ભારત ચીનમાં રહેલી અમેરિકાની કંપનીઓને સ્થળાંતર કરવા માટે લલચાવી રહ્યું છે.
ભારતીય અધિકારીઓએ ઓળખ ના આપવાની શરતે કહ્યું છે કે ગયા એપ્રિલમાં ભારત સરકારે અમેરિકાની આશરે 1000 કંપનીઓને ચીનથી બહાર નીકળી ભારતમાં ઉત્પાદન એકમો સ્થાપવા માટે પ્રોત્સાહનો આપવાની શરૂઆત કરી હતી. ભારતે આમાં એબોટ લેબોરેટરીઝ સહિતના મેડિકલ ઇક્વિપમેન્ટ સપ્લાયર્સ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ, ટેક્સટાઇલ્સ, લેધર અને ઓટો પાર્ટ ઉત્પાદકોને સહિત 550 ઉત્પાદનોના ઉત્પાદકોને સંપૂર્ણ સહકાર આપવા જણાવ્યું છે.
બધી સુવિધા આપવાનાં પ્રલોભનો
ભારતીય અધિકારીઓએ આ કંપનીઓને કહ્યું છે કે જમીન ઉપલબ્ધ કરવા સાથે સલામતી અને સસ્તી કુશળ મજૂરી આપવા બાબતમાં ભારત વધુ સક્ષમ છે. આમાં જો આ કંપનીઓ પરત અમેરિકા અથવા જાપાન જશે તો આ કંપનીઓને ચીન કરતાં એકદંરે મોંઘું પડશે.
જાપાન પણ ફેક્ટરીઓનું સ્થળાંતર કરશે
વિશ્વભરમાં કોરોના વાઇરસથી એક ચતુર્થાંસથી વધુ લોકોનાં મોત માટે ટ્રમ્પ ચીનને જવાબદાર ઠેરવી રહ્યા છે, જેથી વોશિંગ્ટનના પગલાથી ચીન સાથેના વૈશ્વિક વેપારી સંબંધો વધુ ખરાબ થવાની સંભાવના છે. આ સાથે જાપાનની સરકારે પણ એના પડોશી દેશમાંથી ફેક્ટરીઓનું સ્થળાંતર કરવા માટે 2.2 અબજ ડોલર ફાળવ્યા છે.
બીજી બાજુ યુરોપિયન યુનિયનના સભ્ય દેશો પણ ચીનથી થતા સપ્લાયની નિર્ભરતાને ઘટાડવાની યોજના ઘડી રહ્યા છે.