ભારત 2027 સુધી ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે

નવી દિલ્હીઃ ભારત વર્ષ 2027 સુધી વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે, જેનો GDP વર્ષ 2030 સુધીમાં બે ગણાથી વધુ વધીને સાત લાખ કરોડ ડોલર થઈ જશે, એમ જેપી મોર્ગનના એશિયા પ્રશાંત ઇક્વિટી રિસર્ચના મેનેજિંગ ડિરેક્ટર જેમ્સ સુલિવને જણાવ્યું હતું.

વૈશ્વિક માર્કેટમાં જારી રહેલી અનિશ્ચિતતાની વચ્ચે ભારતીય અર્થતંત્રના વિકાસ દર પર વિશ્વની નજર ટકેલી છે. ભારતીય અર્થતંત્ર પર વિશ્વના દિગ્ગજોનો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે. જેપી મોર્ગન દ્વારા આગામી સાત વર્ષો માટે આપેલા અંદાજોમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે.

 

તેમણે કહ્યું હતું કે આગામી કેટલાંક વર્ષોમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથને વેગ આપવાનું કામ કરશે અને GDPમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું યોગદાન 17 ટકાથી વધીને આશરે 25 ટકા થવાની શક્યતા છે. આ સાથે નિકાસ બે ગણાથી વધુ- એક લાખ કરોડ ડોલરથી વધુ થવાની શક્યતા છે.

ભારતીય અર્થતંત્રમાં મોટા પાયે ફેરફારોને જોતાં બજારમાં સ્પષ્ટ તકો ઊભી થશે. ચીનના અર્થતંત્રમાં આ ટ્રેન્ડ 2005 પછી નથી જોવા મળ્યો.

ભારતનો આર્થિક વિકાસ દર અન્ય દેશોની તુલનાએ વધુ રહ્યો છે. મોંઘવારી દર અન્ય દેશોની તુલનાએ ઓછો હોવાની સાથે ભારતે સારો દેખાવ કર્યો છે. ભારત છ ટકા વિકાસ દરે વિકાસ કરી રહ્યું છે. વિશ્વના અનેક દેશો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મધ્યમ ટર્મમાં ભારત સૌથી ઝડપથી વિકાસ કરતું અર્થતંત્ર દેખાઈ રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.