નવી દિલ્હીઃ ઈન્કમ ટેક્સ વિભાગે લોકોને એક ખોટા ઈમેલ સ્કેમને લઈને સાવધાન કર્યા છે. આવકવેરા વિભાગે કરદાતાઓને રીફંડનો દાવો કરનારા કોઈપણ મેઈલ પર ક્લિક ન કરવા માટે કહ્યું છે. વિભાગે સોશિયલ મીડિયા પર કરદાતાઓને સતર્ક કરતા કહ્યું છે કે, તેઓ આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરે કે જેમાં રીફંડનો દાવો કરવામાં આવ્યો હોય. આવકવેરા વિભાગે પોતાના ટ્વીટમાં લખ્યું કે, રીફંડનો દાવો કરનારા મેઈલ આવકવેરા વિભાગ દ્વારા નથી મોકલવામાં આવ્યા. કૃપા કરીને આવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.ઈન્કમ ટેક્સ રિટર્ન ભરનારા લોકોને એક ફ્રોડ ઈમેલ મોકલવામાં આવે છે કે જેમાં લખ્યું હોય છે કે, ‘કોરોના વાયરસ મહામારીના કારણે કેન્દ્ર સરકારે તમામ ટેક્સ પેયર્સને પહેલા જ રિટર્ન આપવાનો નિર્ણય કર્યો છે કે જેથી તેમને સંકટ સમયમાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. પોતાનું રીફંડ ક્લેમ કરવા માટે આ લિંક પર ક્લિક કરો.’
આપને જણાવી દઈએ કે આવકવેરા વિભાગ તરફથી ગ્રાહકોને ઈમેલ કરીને પિન નંબર, પાસવર્ડ કે પછી ક્રેડિટ કાર્ડ અથવા બેંક ડિટેલ્સની જાણકારી માંગવામાં આવતી નથી. વિભાગે લોકોને અપીલ કરી છે કે, આવા કોઈપણ ફ્રોડ ઈમેલનો જવાબ આપશો નહીં.