મુંબઈમાં હિન્દૂજા ગ્રુપની ઓફિસો પર આવકવેરા વિભાગ દ્વારા તલાશી કાર્યવાહી

મુંબઈઃ આવકવેરા વિભાગના અધિકારીઓએ હિન્દૂજા ગ્રુપની મુંબઈમાંની ઓફિસો તથા કંપનીના ભારતમાંના બિઝનેસનું સંચાલન કરતા ચેરમેન અશોક હિન્દૂજાના નિવાસસ્થાને તલાશી કાર્યવાહી હાથ ધરી છે. આ સર્ચ કામગીરી જનરલ એન્ટી-અવોઈડન્સ રૂલ્સ સંબંધિત કરચોરી વિશે હાથ ધરવામાં આવેલી તપાસનો એક ભાગ છે. આ કાર્યવાહીમાં કંપનીની મુંબઈ તથા અન્ય શહેરોમાંની ઓફિસોને પણ આવરી લેવામાં આવી છે.

આવકવેરા વિભાગે આજે મુખ્યત્વે હિન્દૂજા ગ્રુપની હિન્દૂજા ગ્લોબલ સોલ્યૂશન્સ કંપનીની ઓફિસો પર સર્ચ કામગીરી હાથ ધરી છે.

1914માં સ્થાપવામાં આવેલું હિન્દૂજા ગ્રુપ મલ્ટીનેશનલ બિઝનેસ સમૂહ છે. તે ઓટોમોટિવ, બેન્કિંગ અને ફાઈનાન્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, મીડિયા, તેલ અને ગેસ, પાવર, રિયલ એસ્ટેટ, હેલ્થકેર સહિત અનેક ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે. આ ગ્રુપ ઈન્ડસઈન્ડ બેન્ક, ગલ્ફ ઓઈલ, હિન્દૂજા લેલેન્ડ ફાઈનાન્સ, હિન્દૂજા બેન્ક (સ્વિટ્ઝરલેન્ડ), અશોક લેલેન્ડ સહિતની કંપનીઓમાં મોટો હિસ્સો ધરાવે છે.