વોલ્માર્ટે ચીન કરતાં ભારતમાંથી આયાત વધારી; એને માલ સસ્તો પડે છે

ન્યૂયોર્કઃ વિશ્વની સૌથી મોટી રીટેલ કંપની વોલ્માર્ટે ભારતમાંથી વધારે માલની અમેરિકામાં આયાત કરવાનું નક્કી કર્યું છે. આમ કરીને આ અમેરિકન કંપનીએ ચીન ઉપર પોતાની નિર્ભરતાને ઘટાડી દીધી છે. વોલ્માર્ટે આ નિર્ણય ખર્ચમાં કાપ મૂકવા અને સપ્લાઈ ચેનમાં વિવિધતા લાવવા માટે લીધો છે.  ભારતમાંથી આયાત કરેલો માલ એને ચીન કરતાં સસ્તો પડ્યો છે.

વોલ્માર્ટે આ વર્ષના જાન્યુઆરી અને ઓગસ્ટ વચ્ચેના સમયગાળામાં તેની કુલ અમેરિકન આયાતનો એક-ચતુર્થાંશ ભાગ ભારતમાંથી મગાવ્યો હતો. સમાચાર સંસ્થા રોઈટર્સે ડેટા કંપની ઈમ્પોર્ટ યેટી પાસેથી મેળવેલા બિલ ઓફ લેન્ડિંગમાંની વિગતના આધારે આ અહેવાલ આપ્યો છે. 2018માં વોલ્માર્ટે ચીનમાંથી 80 ટકા માલ આયાત કર્યો હતો. આ વર્ષના જાન્યુઆરી-ઓગસ્ટના સમયગાળામાં આ આયાતમાં તેણે 20 ટકાનો કાપ મૂક્યો છે અને ભારતમાં વધારી દીધો છે. આમ છતાં ચીન આજે પણ વોલ્માર્ટના સૌથી મોટા આયાતકાર દેશ તરીકે ચાલુ રહ્યો છે.