શેરબજારમાં છ દિવસના ઘટાડાને બ્રેક, સેન્સેક્સમાં 318 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ– શેરબજારમાં સતત છ ગાબડા બાદ આજે મજબૂતી આવી હતી. એશિયાઈ સ્ટોક માર્કેટ સુધરીને આવતાં ભારતીય શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવતાં સુધારો આવ્યો હતો. મંદીવાળા ઓપરેટરોએ પણ વેચાણો કાપ્યા હતા. એફઆઈઆઈ છેલ્લી બે ટ્રેડિંગ સેશનથી બાયર થઈ છે, જેને પગલે નવી વેચવાલી અટકી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 318.48(0.96 ટકા) ઉછળી 33,351.57 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 88.45(0.87 ટકા) ઉછળી 10,242.65 બંધ થયો હતો.શેરબજાર સતત છ દિવસથી એકતરફી ગગડી રહ્યું હતું. જેને પગલે માર્કેટ હાઈલી ઓવરસોલ્ડ થઈ ગયું હતું. આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ સુધરીને આવતાં ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા, ત્યાર બાદ મંદીવાળા ઓપરેટરોની વેચાણ કાપણી આવતાં આ સુધારો વધુ આગળ વધ્યો હતો. આજે બેંક, ઓટો, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ સેકટરના શેરોમાં નીચા મથાળે ટેકારુપી લેવાલી આવી હતી. જેથી મજબૂતી ઝડપી આવી હતી. અગ્રણી ટેકનિકલ એનાલીસ્ટોના મતે માર્કેટ બાઉન્સબેક છે, ઓવરઓલ સેન્ટિમેન્ટ નરમાઈનું છે. સેન્સેક્સ 34,350 ઉપર બંધ ન આવે ત્યાં સુધી માર્કેટમાં દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે.

  • પીએનબી કૌભાંડ પછી સીબીઆઈએ નીરવ મોદીની વિરુદ્ધમાં નવી એફઆઈઆર દાખલ કરી છે. આ સમાચારથી ગીતાજંલિ જેમ્સના શેરમાં ભારે વેચવાલી ચાલુ રહી હતી. અને આજે ગીતાજંલિ જેમ્સના શેરનો ભાવ 5 ટકા તૂટી રૂ.16.60 પાંચ ટકાની લોઅર સર્કિટબ્રેકરમાં બંધ રહ્યો હતો. જે 52 વીકની નીચી સપાટીએ હતો. 16 દિવસમાં ગીતાજંલિ જેમ્સનો શેર 75 ટકા તૂટ્યો હતો.
  • કેઈસી ઈન્ટરનેશનલ કંપનીને ઑલ બિઝનેસ વર્ટિકલનો રુ.1378 કરોડનો ઓર્ડર મળ્યો છે.
  • બંધન બેંકનો આઈપીઓ 15 માર્ચે ખુલીને 19 માર્ચે બંધ થશે, પ્રાઈવેટ સેકટરની બેંક બંધન બેંક રુ.2500 કરોડનો આઈપીઓ લાવીને મૂડીબજારમાં પ્રવેશ કરશે.
  • ડિફેન્સ સેકટરની સરકારી કંપની ભારત ડાયનામિક્સ રુ.960 કરોડનો આઈપીઓ લઈને મૂડીબજારમાં પ્રવેશી રહી છે, જેના શેરની પ્રાઈઝબેન્ડ રુ.413-428 નક્કી કરાઈ છે. આ ઈસ્યૂ 13 માર્ચે ખૂલશે અને 15 માર્ચે બંધ થશે.
  • બુધવારે એફઆઈઆઈએ રુ.719 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રુ.409 કરોડની ખરીદી કરી હતી.
  • આજે મજબૂત બજારમાં પણ એફએમસીજી, હેલ્થકેર-ફાર્મા અને મેટલ શેરોમાં વેચવાલી ચાલુ રહી હતી, અને આ સેકટરના ઈન્ડેક્સ માઈનસમાં બંધ રહ્યા હતા.
  • રોકડાના શેરોમાં સામાન્ય લેવાલી આવી હતી. બએસઈ મીડકેપ ઈન્ડેક્સ 89.14 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 86.86 પ્લસ બંધ હતો.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]