દિનવિશેષઃ શૂટિંગ વિશ્વવિજેતા મનુ ભાખરની મહાસિદ્ધિની વાત…

પણ એક ભારતની પ્રજાનું અલગ પાસું છે કે જે પ્રદેશમાં મહિલાઓ સામે સૌથી વધુ હિંસા અને ગુનાખોરી પ્રવર્તે છે એ જ હરિયાણાની છોરીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીયસ્તરે એવીએવી સિદ્ધિઓ મેળવી આવે છે કે એમ થાય કે આ કેવો  વિરોધાભાસ છે…કદાચ કાદવમાં જ કમળ ખીલે છે તે અહીં પણ સાચું છે.

મહિલા દિવસની ઉજવણી નિમિત્તે આજે 8 માર્ચે વિશ્વની જેમ જ ભારતના નારીરત્નોને પણ માધ્યમો દ્વારા આગળ કરીને તેમનાં પરિશ્રમ-સંઘર્ષની પ્રેરક વાતો બહાર આવી રહી છે. આ કડીમાં મનુ ભાખરનું નામ એકદમ તરોતાજા છે. કદાચ તમારી નજર ગત સપ્તાહના સમાચારોમાં પડી હોય તો આ યંગ ગર્લનું નામ તમે જાણો છો. પણ યાદ કરાવવા માટે મારે એમ જણાવવું રહ્યું કે શૂટિંગ વર્લ્ડ કપ જીતી લાવનાર મનુ ભાખર…હા, હરિયાણાના ગોરિયા ગામની આ યુવતી વિશ્વમાં ‘યંગેસ્ટ ઇન્ડિયન ટુ વિન શૂટિંગ વર્લ્ડ કપ’ની ઓળખ સાથે મશહૂર થઇ ગઇ છે. જસ્ટ હમણાંના દિવસોની વાત છે કે મનુ ભાખર મેક્સિકોમાં ગુઆદાલાઝારામાં ખેલાયેલ આઈએસએસએફ વર્લ્ડ કપ જીતી લાવી છે. મનુએ 10m એર પિસ્ટલથી વર્લ્ડ કપ જીત્યો છે.. યુવા ટેલેન્ટ મનુ વિશે ઘણું જાણીએ અને જણાવીએ…

મનુ જ્યારે 14 વર્ષની કિશોરી હતી ત્યારે તેના પિતા પ્રથમવાર શૂટિંગ રેન્જમાં લઇ ગયાં હતાં. પિતાએ જણાવ્યું કે જરા હાથ અજમાવ, પણ છોરીએ તો એવો હાથ અજમાવ્યો કે કેટલાક રાઉન્ડ પૂરાં થતાં સુધીમાં તો તેને પોતાના જીવનનું ધ્યેય મળી ગયું હતું. મનુએ નક્કી કર્યું કે શૂટિંગ રેન્જનું ડેડ સેન્ટર તેના જીવનનું ગોલ છે. તે સતત આ વિશે જ વિચારતી. એ વખતે સતત બે વર્ષ સુધી રેન્જમાં શૂટ કરતી મનુને ખબર ન હતી કે તેનો શોખ એક દિવસ તેને આંતરરાષ્ટ્રીયસ્તરની રેકોર્ડ હોલ્ડર શૂટર્સ બનાવશે.બોક્સિંગ, સ્કેટિંગ, કબ્બડી,કરાટે, લોન ટેનિસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી મનુએ તેની સાથે થયેલ એક છેતરપિંડીના બનાવ પછી શૂટિંગ સાથે નાતો બાંધ્યો હતો.

મનુને આ મુકામ સુધી પહોંચવામાં આકરી મહેનત કામ લાગી છે. સાથે અહીં સુધી પહોંચવામાં તેના માતા સુમેધા અને પિતા રામકિશને પણ કોઇ કસર છોડી નથી. જસપાલ રાણા પાસે શૂટિંગની ગુરુચાવીઓ શીખનારી મનુએ શાળામાં શૂટિંગ રેન્જમાં કોચ નરેશ અને સુરેશ પાસેથી તાલીમ મેળવી છે.સમયનું ચક્ર ફર્રરરરર કરતું ચાલતું રહ્યું અને 2018 સુધીમાં આવીને ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન-ISSF વર્લ્ડ કપ સુધી આવ્યું ત્યાં સુધીની મનુની તાલીમ અનેક યુવાઓ માટે પ્રેરક છે.

મનુના વર્લ્ડ કપ ફાઇનલની વાત કરીએ તો તેના અંતિમ શૉટ, જે 8.8 હતો અને તેનો કુલ સ્કોર 237.1 હતો. તે સાથે જ તેનો ગોલ્ડ મેડલ પાકો થઇ ગયો હતો. મનુનો ગોલ્ડ જીતવામાં ફક્ત 0.4નો જ ફરક હતો., પણ તે સૌથી નાની વયે, 16 વર્ષની વયે વિશ્વ કપ જીતનારી ભારતીય ખેલાડી બની તે ખૂબ જ મોટી સિદ્ધિ મેળવી લીધી છે. મનુ કહે છે, ‘ જાણે મેં સ્વયંને વાત કરી કે મારે મારી ટેકનિક પર ફોક્સ કરવાનું છે, નહીં કે હું એક વિશ્વસ્તરની સ્પર્ધાની ફાઇનલમાં ઊભી છું. બસ મેં એ જ કર્યું અને તે કામ આવી ગયું. આ મેડલ જીતવાથી મને એટલું બધું શીખવા મળ્યું છે કે ભવિષ્યની ઊંચાઇઓને આંબી શકીશ.’ મનુ પછી જર્મની અને ફ્રાન્સના ખેલાડીઓ બીજા-ત્રીજા નંબરે આવ્યાં હતાં.

મનુ અને તેના સહયોગી ઓમપ્રકાશ મીઠરવાલ ભારત માટે આઈએસએસએફ વર્લ્ડ કપ 10m એર પિસ્ટલ મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. તેમના પછી જર્મનીની સાન્ડ્રા-ક્રિશ્ચિયન રેઇત્ઝની જોડી અને ત્રીજા નંબરે ફ્રાન્સના ગોબરવિલે અને ફોન્ક્વેટની ટીમ રહી હતી. એ પણ જાણો કે ધોરણ 11માં મેડિકલ સ્ટ્રીમમાં ભણતી આ વિદ્યાર્થિનીએ શૂટિંગ વર્લ્ડ કપમાં સતત બીજો ગોલ્ડ મેળવ્યો છે.મનુએ પોતાનો ગોલ્ડ મેડલ પોતાના પરિવાર અને કોચને સમર્પિત કર્યો છે. કારણ કે તેમના સતત પ્રયત્નો અને સહકાર વિના આવું સરસ પરફોર્મન્સ આવવું શક્ય ન બની શકે. પિતા રામકિશન પણ લોન ટેનિસના સારા ખેલાડી રહ્યાં છે અને માતા સુમેધા એથ્લિટ છે.

મનુ ક્વોલિફાઇડ રાઉન્ડમાં 572ના સ્કોર સાથે પાંચમી આવી હતી. જે પણ જૂનિયર ક્વોલિફિકેશન વર્લ્ડ રેકોર્ડ હતો. શૂટિંગ ફેડરેશને આ વર્ષની પહેલી જાન્યુઆરીથી જેન્ડર ઇક્વાલિટી અપનાવતાં પોતાની રમતોના ધારાધોરણમાં ફેરફાર કર્યાં છે. મનુ જીતી એ નવા નિયમો સાથે રમાયેલ પહેલો વર્લ્ડ કપ હતો જેમાં પહેલાંની 40 શૉટની સરખામણીએ મહિલા ખેલાડીઓએ 60 શૉટ હિટ કરવાના હતાં.

મનુ હરિયાણાના દાદરી જિલ્લાના ગોરિયા ગામમાંથી આવે છે. પોતાની તાલીમ માટે તે દરરોજ પાંચ કલાકની તાલીમ માટે ઝ્ઝજરની યુનિવર્સલ સીનિયર સેકેન્ડરી સ્કૂલ આવતી, કારણ કે આ જ એકમાત્ર સ્થળ હતું જ્યાં શૂટિંગ રેન્જ હતી અને તેના ઘરની નજીકમાં નજીક એવા 25 કિલોમીટરના અંતરમાં હતું.

મનુ સ્ટાર એથલેટ પણ છે. તેણે સ્ટેટ લેવલ સ્કેટિંગ ચેમ્પિયન, ટેનિસ, સ્વિમિંગમાં એથલેટિક મીટમાં મેડલ્સ જીતેલાં છે. મનુ ફોર્મર બોક્સિંગ ચેમ્પિયન છે અને મણિપુરી માર્શલ આટ થાંગ તા આ પણ શીખી છે.ડીસેમ્બર 2017માં મનુએ 61મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ જે થિરુવનંથપુરમાં રમાઇ તેમાં ભાગ લીધો હતો. એટલું જ નહીં, 10m એર પિસ્ટલ ઇવેન્ટમાં જાણીતાં શૂટર મહિલા ખેલાડી હીના સિધુને 242.2 સ્કોરથી માત આપી હતી. હીના સિધુનો રેકોર્ડ સ્કોર 240.8 હતો જે લાંબા સમયથી કોઇએ તોડ્યો ન હતો. આ ઇવેન્ટમાં મનુએ 9 ગોલ્ડ સાથે કુલ 15 મેડલ જીત્યાં હતાં!

મનુનાં માતા પોતાની પુત્રીની સિદ્ધિથી ગૌરવ અનુભવતાં કહે છે કે મારી દીકરીની ટેલેન્ટ અને ક્ષમતામાં મને પૂરો વિશ્વાસ છે. મારા શબ્દો યાદ રાખજો, તે 2020 ઓલિમ્પિકમાં પણ હશે. સાચે જ તેની માતાની જેમ જ અનેક ભારતીયો પણ આશા રાખી રહ્યાં છે કે તેમ બને.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]