મુંબઈ તા.25 જાન્યુઆરી, 2022: દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈએ વિજય કેડિયા સાથે “બીએસઈ મેરી જાન હો તુમ” જિંગલના એક્સક્લુઝિવ, કાયમી, રદ ન થઈ શકે એવા, રોયલ્ટી-મુક્ત વૈશ્વિક અને ટ્રાન્સફરેબલ લાઈસન્સ માટેનો કરાર કર્યો છે.
બીએસઈના આઈસીએચ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં કેડિયાએ જિંગલ ગીતના બધા હક એક સમયની માત્ર એક રૂપિયાની ફી સામે બીએસઈને સુપરત કર્યા છે અને આ જિંગલના ભાવિ કોઈ પણ ઉપયોગ બદલ તેઓ અતિરિક્ત રોયલ્ટીઝ કે ફીઝના હકદાર નહિ રહે.
આ પ્રસંગે કેડિયાએ કહ્યું કે 1989માં મેં બીએસઈ ખાતે સબ-બ્રોકર બનવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો ત્યાંથી લઈને આજે મારો અવાજ આ મહાન સંસ્થાનો હિસ્સો બન્યો છે ત્યાં સુધીની યાત્રા જબરદસ્ત અને સન્માનજનક રહી છે.
આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ ચૌહાણે કહ્યું કે આવી સુંદર જિંગલ અમને સુપરત કરવા બદલ અમે નિજય કેડિયાના આભારી છીએ. તેઓ મૂડીબજારના લાંબા ગાળાના રોકાણકાર અને એક્સચેન્જના શુભેચ્છક અને ટેકેદાર છે. અમે તેમની આ ઉદારતા પ્રતિ આભારી છીએ.
આ પ્રસંગે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બ્રોકર્સ ફોરમના ભૂતપૂર્વ ચેરમેન ઉત્તમ બાગરીએ કહ્યું કે બીએસઈ અને શ્રી કેડિયા વચ્ચેનો આ નાતો વિલક્ષણ છે અને તે એક્સચેન્જ અને મૂડીબજારના રોકાણકારો વચ્ચેની ગુડવિલને દર્શાવે છે.
વિજય કેડિયા કેડિયા સિક્યુરિટીઝ પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને ભારતીય મૂડીબજારના સફળ લોન્ગ ટર્મ ઈન્વેસ્ટર છે. 2016માં કેડિયાને ડોક્ટોરેટ ડિગ્રીથી સન્માનવામાં આવ્યા હતા. ભારતના સફળ રોકાણકારોના બિઝનેસ વર્લ્ડની 2016ની યાદીમાં તેમનો ક્રમ 13મો રહ્યો હતો. ઈકોનોમિક ટાઈમ્સ તેમને માર્કેટ માસ્ટર કહે છે. તાજેતરમાં કેડિયાને તેમણે કરેલાં ધર્માદા કાર્યો બદલ મહારાષ્ટ્ર સરકારના ગવર્નર દ્વારા ડો. આંબેડકર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
તેમને ગાવાનો અને રોકાણકાર શિક્ષણનો શોખ છે. એ બંનેને જોડીને કેડિયાએ મૂડીબજાર સંબંધિત 10થી અધિક ગીતો ગાયાં અને બહાર પાડ્યાં છે. તેઓ માને છે કે રોકાણકારને સરળ અને હૃદયસ્પર્શી રીતે શિક્ષણ પૂરું પાડવું જોઈએ.