IMFનો આંચકોઃ ભારતનો GDP 10.3% સુધી ઘટશે

વોશિંગ્ટનઃ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)એ કહ્યું હતું કે એના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2021માં ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં 10.3 ટકાનો ઘટાડો થાય એવી શક્યતા છે. જોકે IMFએ એના જૂનના ભારતના GDPમાં 4.5 ટકાનો ઘટાડાના અંદાજ પછી એમાં સુધારો કર્યો હતો.

દ્વિવાર્ષિક વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક પર એક પત્રકાર પરિષદમાં IMFના ચીફ અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું હતું કે વિકાસશીલ અર્થતંત્રો અને ઊભરતાં બજારોમાં આ વર્ષે નકારાત્મક રહેવાની શક્યતા છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે ભારત અને ઇન્ડોનેશિયા જેવા દેશો તો અર્થતંત્રમાં સંકોચનનો અનુભવ કરશે. બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP ધાર્યા કરતાં વધુ સંકોચન થયો છે. જોકે વર્ષ 2021માં અર્થંતંત્ર 8.8 ટકાના સ્તરે બાઉન્સબેક થતાં પહેલાં 2020માં  એમાં 10.3 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે.

IMFએ દાવો કર્યો હતો કે વૈશ્વિક અર્થતંત્રોમાં રિકવરીની શક્યતા લાંબી, અસમાન અને અનિશ્ચિત હશે. જોકે સંસ્થાએ કહ્યું હતું કે કેટલાંક અર્થતંત્રો અન્યોની તુલનામાં ઝડપથી બેઠાં થશે, જ્યારે કેટલાંક અર્થતંત્રો બદથી બદતર થવાની સંભાવના છે.

નાણાં વર્ષ 2021ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર રિકવરીની આશા રાખતાં ગોપીનાથે કહ્યું હતું કે  રાજકોષીય અને નાણાં નીતિને શક્ય હોય ત્યાં સુધી સમયથી પહેલાં પરત ના લેવામાં આવે.

આ પહેલાં જૂન ત્રિમાસિક ગાળામાં IMF દ્વારા અંદાજવામાં આવેલો ભારતનો GDP વપરાશ અને મૂડીરોકાણમાં ઘટાડાને કારણે વધુ નીચે ગયો હતો. ભારતનો GDP (-) 23.9 ટકા હતો, જે G20 દેશોમાં સૌથી નીચો હતો. તેમણે કહ્યું હતું કે અર્થતંત્રોએ પૂર્ણ ક્ષમતાથી આરોગ્ય અને ગરીબો પર ખર્ચ કરવા પર પ્રાથમિકતા આપવાની જરૂર છે. ભારત જેવું અર્થતંત્ર સીમિત સંસાધનોની સાથે કોવિડ-19ના સંકટ સામે લડી રહ્યું છે, જેથી એનો બોરોઇંગ ખર્ચ અને ઊંચાં દેવાં થઈ રહ્યાં છે.

વૈશ્વિક ગરીબીમાં વધારા અને અસમાનતા વધવાના ડરથી IMFના મુખ્ય અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે દૈનિક મજૂરો અને અન્ય અનિયમિત આવક ધરાવતા લોકોની ચોખ્ખી કમાણીમાં ભારે ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું હતું કે 2020માં નવ કરોડની લોકોની પ્રતિ દિનની આવક 1.90 ડોલરથી પણ નીચી જવાની શક્યતા છે. તેમણે કકબૂલ કર્યું હતું કે 2021માં વૈશ્વિક ગ્રોથ 3.7 ટકાથી ઘટીને 2.1 ટકા થશે, જે 2050 સુધી રહેશે.