મુંબઈઃ રશિયાએ યુક્રેનની નજીક ગોઠવેલી સૈનિકોની ટુકડી પાછી બોલાવી લેતાં તંગદિલી હળવી થઈ છે અને તેને પગલે ઈક્વિટી માર્કેટ તથા ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ફરી સુધારો આવ્યો છે. ક્રીપ્ટો માર્કેટમાં તો જબ્બર ઉછાળો આવતાં ક્રીપ્ટોવાયરનો આઇસી15 ઇન્ડેક્સ મંગળવારે 3,838 પોઇન્ટ (6.38 ટકા) વધીને 63,974 પર પહોંચ્યો હતો. ઇન્ડેક્સ 60,136 ખૂલીને ઉપરમાં 63,987 અને નીચામાં 60,077 રહ્યો હતો.
રશિયાએ લશ્કરી કવાયત બંધ કરવાનું જાહેર કર્યું તેના પરથી કટોકટીનો અંત આવ્યો હોવાનું જણાય છે. જોકે, અમેરિકાનું કહેવું છે કે વ્લાદિમીર પુતિને હજી યુક્રેન પર આક્રમણ કરવાને લગતો આખરી નિર્ણય લીધો નથી. આ લખાઈ રહ્યું છે ત્યારે અમેરિકામાં ઈક્વિટી માર્કેટ વધીને ખૂલવાની ધારણા છે.
દરમિયાન, રશિયા સરકારે કહ્યું છે કે અમુક વિસ્તારોમાં બિટકોઇનના માઇનિંગને કાનૂની સ્વરૂપ આપવાનો વિચાર ચાલી રહ્યો છે.
માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ સૌથી મોટી ક્રીપ્ટોકરન્સી બિટકોઇનમાં 4 ટકાના વધારા સાથે ભાવ 43,921 ડૉલર થયો હતો. ઈથેરિયમ 7.5 ટકાની વૃદ્ધિ સાથે 3,000 ડૉલરની ઉપર ગયો હતો. વૈશ્વિક ક્રીપ્ટો માર્કેટમાં કેપિટલાઇઝેશન 5 ટકા વધીને 1.97 ટ્રિલ્યન ડૉલર થઈ ગયું છે.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
60,136 પોઇન્ટ | 63,987 પોઇન્ટ | 60,077 પોઇન્ટ | 63,974
પોઇન્ટ |
ડેટાનો સમયઃ 15-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |
