કેન્દ્રએ દાળ, પામતેલની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો

નવી દિલ્હીઃ મોંઘવારીથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે દાળો અને પામ ઓઇલ પરની આયાત ડ્યુટી ઘટાડવાની ઘોષણા કરી છે. કેન્દ્ર સરકારે ઓસ્ટ્રેલિયા અને કેનેડામાંથી આયાત કરવામાં આવતી દાળો પરની આયાત ડ્યુટી શૂન્ય કરી છે. આ ઉપરાંત સરકાર દ્વારા અમેરિકાથી આયાત કરવામાં આવતી દાળોની આયાત ડ્યુટી 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરવામાં આવી છે. સરકારે પામ ઓઇલ પરનો આયાત સેસ 7.5 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે. વળી, સરકારે મગની દાળની આયાત માટેની વિન્ડોને આશરે બે મહિના માટે બંધ કરવાનો અચાનક નિર્ણય લઈને વેપારી આલમને ચોંકાવી દીધી છે.  

નવેમ્બરમાં ખાદ્ય તેલોની કિંમતો વધી રહી છે.  આ સાથે રાઈના તેલની મહત્તમ કિંમત કિલોદીઠ રૂ. 175એ પહોંચી ગઈ છે. 13 ફેબ્રુઆરીએ આયાતી પામ તેલ પર ડ્યુટીમાં કાપના નિર્ણયથી ઘરેલુ રિફાઇનિંગમાં 60 ટકાનો વધારો થવાની અપેક્ષા છે, કેમ કે ક્રૂડ પામ તેલ અને રિફાઇન્ડ પામ તેલની વચ્ચેનું અંતર 5.5 ટકાથી વધીને 8.25 ટકા કરવામાં આવી છે.

નવેમ્બર સુધી ઘરેલુ ખાદ્ય તેલની કિંમતોમાં આશરે 10 ટકાથી 12 ટકાનો ઘટાડો આવ્યો છે. જોકે જિયોપોલિટિકલ ટેન્શન, ઇન્ડોનેશિયાની પામ તેલની નિકાસની નીતિમાં પરિવર્તન અને દક્ષિણ અમેરિકામાં સોયાબિનનો પાકને લઈને ચિંતાઓની કિંમતોમાં ફરીથી તેજીની શક્યતા છે.

ક્રૂડ અને રિફાઇન્ડ પામ તેલની આયાતનો હિસ્સો 50:50 છે, જે હવે ક્રૂડ પામ તેલના પક્ષમાં બદલાઈ જશે. ભારતના નિર્ણયની ઓસ્ટ્રેલિયાએ પ્રશંસા કરી છે.