આઇસી15 ઇન્ડેક્સ 710 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે ઓચિંતો જ ઘટાડો નોંધાયો હતો ને બિટકોઇન પણ 30,000 ડોલરની સપાટીએથી નીચો ઊતરી ગયો હતો. માર્કેટના બેન્ચમાર્ક આઇસી15ના તમામ ઘટક કોઇન ઘટ્યા હતા. અવાલાંશ, સોલાના, ચેઇનલિંક અને પોલકાડોટ એ મુખ્ય ઘટેલા કોઇન હતા, જેમાં 6થી 9 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

યુનાઇટેડ કિંગડમના નાણાપ્રધાને કહ્યું છે કે અર્થતંત્રને તથા ખાનગી ક્ષેત્રને બ્લોકચેઇન ટેક્નોલોજીનો લાભ મળે એ હેતુથી દેશમાં એક જ વર્ષની અંદર ક્રીપ્ટોકરન્સી સંબંધિત નિયમન લાગુ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલ્મેન્ટ્સે આંતરબેન્ક વ્યવહારો માટે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજીનું પ્રાયોગિક ધોરણે પરીક્ષણ કરી લીધું છે. બીજી બાજુ, રશિયન સેન્ટ્રલ બેન્કે આંતરરાષ્ટ્રીય સેટલમેન્ટમાં ક્રીપ્ટોકરન્સીનો ઉપયોગ કરવાની શક્યતા ચકાસવા કાયદાનો લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.77 ટકા (710 પોઇન્ટ) ઘટીને 39,404 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,114 ખૂલીને 40,561ની ઉપલી અને 39,228 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.