મુંબઈઃ અમેરિકામાં ગ્રાહક ભાવાંક જાહેર થવા પૂર્વે સાવચેતીના વલણરૂપે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના ઘટકોમાંથી એકમાત્ર ટ્રોન 0.34 ટકા વધ્યો હતો. બાકીના ઘટેલા કોઇનમાંથી પોલીગોન, અવાલાંશ, લાઇટકોઇન અને ડોઝકોઇન 2થી 6 ટકાના ઘટાડા સાથે મોખરે હતા.
પ્રાપ્ત અહેવાલો મુજબ હોંગકોંગ ક્રીપ્ટોકરન્સી ક્ષેત્ર માટે નવી માર્ગદર્શિકા ઘડવા કાર્યરત છે. દેશને એશિયામાં ક્રીપ્ટોકરન્સીની રાજધાની બનાવવાના હેતુસર આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ, બેન્ક ઓફ કેનેડાએ કેનેડિયન ડિજિટલ ડોલર સંબંધે જનતાનાં મંતવ્યો જાણવાની કવાયત શરૂ કરી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.72 ટકા (275 પોઇન્ટ) ઘટીને 38,045 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,320 ખૂલીને 38,433ની ઉપલી અને 37,732 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.