મુંબઈઃ ક્રીપ્ટો કિંગ ગણાતા એફટીએક્સના સ્થાપક સામ બેન્કમેન-ફ્રાઇડને કરોડો ડોલરના કૌભાંડ માટે દોષિત ઠેરવવામાં આવ્યા એ ઘટનાને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.35 ટકા (1,469 પોઇન્ટ) ઘટીને 42,362 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 43,831 ખૂલ્યા બાદ 43,910ની ઉપલી અને 42,268ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ફક્ત કાર્ડાનો (2.19 ટકા) વૃદ્ધિ થઈ હતી. સોલાના, પોલકાડોટ, ડોઝકોઇન અને શિબા ઇનુ 3થી 12 ટકાની રેન્જમાં ઘટ્યા હતા.
અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજદરમાં મોટો વધારો નહીં થવાનો અંદાજ આપ્યો હોવાથી બિટકોઇનનો ભાવ ક્રિસમસ સુધીમાં 35,000 ડોલર કરતાં વધુ જવાની ધારણા છે. જો ફુગાવામાં ઘટાડો થશે તો વ્યાજદરમાં પણ ઘટાડો થઈ શકે છે. એની અસર તળે ઈક્વિટીમાં વૃદ્ધિ થઈ શકે છે.