આઇસી15 ઇન્ડેક્સ 1088 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકાના 10 વર્ષની મુદતના ટ્રેઝરી બોન્ડની ઊપજ ગત 16 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મોટો ઘટાડો થયો છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.97 ટકા (1088 પોઇન્ટ) ઘટીને 35,550 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,638 ખૂલ્યા બાદ 36,802ની ઉપલી અને 35,180ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી પોલીગોન સિવાયના તમામ કોઇનના ભાવ ઘટ્યા હતા. અવાલાંશ, ઈથેરિયમ, યુનિસ્વોપ અને ચેઇનલિંક 4થી 5 ટકાની રેન્જમાં ઘટેલા ટોચના કોઇન હતા.

દરમિયાન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ક્રીપ્ટો એસેટ્સને લીધે ઊભાં થનારાં મેક્રોફાઇનાન્શિયલ જોખમોને લગતું કાર્યપત્ર બહાર પાડ્યું છે, જેથી નિયમનકારો ક્રીપ્ટોકરન્સી એસેટ્સને લગતાં જોખમોનું આકલન કરી શકે.

બીજી બાજુ, કોઇનબેઝે સિંગાપોરમાં વ્યક્તિગત અને સંસ્થાકીય ડિજિટલ પેમેન્ટ ટોકન સર્વિસીસ ઓફર કરવા માટે મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર પાસેથી ફુલ પેમેન્ટ ઇન્સ્ટિટ્યુશન તરીકેનું લાઇસન્સ પ્રાપ્ત કર્યું છે.