આઇસી15 ઇન્ડેક્સમાં 93 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે વોલેટિલિટી જોવા મળી હતી. બજાર સામસામા રાહે અથડાઈ હતી. એના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી યુનિસ્વોપ, સોલાના, ચેઇનલિંક અને એક્સઆરપી મુખ્ય ઘટેલા કોઇન હતા.

દરમિયાન, ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગમાં ગયા સપ્તાહે 201.4 મિલ્યન ડોલર એકઠા કરવામાં આવ્યા હતા. અગિયાર કંપનીઓએ વેન્ચર કેપિટલ અને ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ પાસેથી નાણાં એકઠાં કર્યાં હતાં. મેટાવર્સ ક્ષેત્રના સ્ટાર્ટઅપ ફ્યુચરવર્સે એમાંથી 54 મિલ્યન ડોલર પ્રાપ્ત કર્યા હતા, જે સૌથી મોટી રકમ હતી.

બીજી બાજુ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) લાવવા માટેના ડિજિટલ રૂબલ ખરડા પર સહી કરતાં એ કાયદો બની ગયો છે. આ કાયદો આગામી પહેલી ઓગસ્ટથી અમલી બનશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.24 ટકા (93 પોઇન્ટ) ઘટીને 38,642 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,735 ખૂલીને 38,780 પોઇન્ટની ઉપલી અને 38,191 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.