HDFC બેન્ક કેરળના 30 ગામ દત્તક લેશે, 10 કરોડની કરી આર્થિક સહાય

તિરુવનંતપુરમ- દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્ક HDFC કેરળના પૂર પ્રભાવિત 30 ગામને દત્તક લેશે. ઉપરાંત બેન્કે રાજ્યના રાહત કાર્યો માટે 10 કરોડ રુપિયાની આર્થિક મદદ પણ કરી છે. આ માહિતી HDFC બેન્ક દ્વારા આપવામાં આવી છે.આ ઉપરાંત કેરળના ગ્રાહકો માટે HDFC બેન્કે લોન અને ક્રેડિટ કાર્ડના માસિક ચૂકવણા ઉપર વિલંબિત શુલ્કમાં પણ છૂટ આપવાની જાહેરાત કરી છે. HDFC બેન્કના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરીએ જણાવ્યું કે, ‘મુશ્કેલીના આ સમયમાં અમે કેરળના લોકોની સાથે છીએ’

HDFC બેન્ક તેણે દત્તક લીધેલા ગામોમાં સારવાર માટે મેડિકલ કેમ્પની સ્થાપના કરશે. ઉપરાંત ત્યાંની શાળાઓનું સમારકામ અને પુન: નિર્માણ કરાવશે. આ સિવાય સ્થાનિક લોકોમાં આજીવિકા મેળવવા માટે તેમને કૌશલલક્ષી તાલીમ આપવામાં પણ સહાય કરશે.

30 ગામને દત્તક લેવા ઉપરાંત HDFC બેન્કે રાજ્યના મુખ્યપ્રધાન રાહત કોષમાં 10 કરોડ રુપિયાની આર્થિક સહાય પણ કરી છે. જેમાં બેન્કના કર્મચારીઓએ તેમના એક દિવસના પગારનું યોગદાન આપ્યું છે. અને બાકીનું યોગદાન બેન્ક દ્વારા કરવામાં આવ્યું છે.