નવી દિલ્હીઃ ભારતભરના રસ્તાઓ પર એવા ચાર કરોડથી પણ વધારે વાહનો ફરે છે જે 15-વર્ષ કરતાંય જૂના થઈ ગયા છે. આવા વાહનો પર લગાડવામાં આવશે ગ્રીન ટેક્સ અને તે વાહનમાલિકે ચૂકવવાનો રહેશે. અત્યંત પ્રદૂષિત શહેરોમાં રજિસ્ટર્ડ વાહનો પર રોડ ટેક્સના 50 ટકા રકમના દરે ગ્રીન ટેક્સ વસૂલ કરાશે.
દેશમાં સૌથી જૂના વાહનો કર્ણાટમાં ફરે છે, જેની સંખ્યા 70 લાખથી ધારે છે. બીજા નંબરે ઉત્તર પ્રદેશ, ત્રીજે દિલ્હી, ચોથે કેરળ, પાંચમે તામિલનાડુ આવે છે. આ યાદીમાં આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગણા, લક્ષદ્વીપ સામેલ નથી, કારણ કે એમના રેકોર્ડ્સ ઉપલબ્ધ નથી. 15-વર્ષ જૂના વાહનો પ્રદૂષણ ફેલાવતા હોવાથી એનો ઉપયોગ કરનાર પાસેથી ગ્રીન ટેક્સ વસૂલ કરવાનો ભારત સરકારે ગયા જાન્યુઆરીમાં નિર્ણય લીધો હતો. જે ટ્રાન્સપોર્ટ વાહનો આઠ વર્ષ જૂના થઈ ગયા હોય તેમની પર ફિટનેસ સર્ટિફિકેટ રીન્યૂઅલ વખતે રોડ ટેક્સના 10-25 ટકાના દરે ગ્રીન ટેક્સ વસૂલ કરાશે. જ્યારે જે પર્સનલ વાહનો 15 વર્ષ જૂના થઈ ગયા હોય એમની સામે આ ટેક્સ ત્યારે વસૂલ કરાશે જ્યારે એ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રીન્યૂ માટે હાજર કરાશે.