ઝોમેટો, સ્વિગીને ટક્કર આપવા આવી ગઈ છે સરકારપ્રેરિત ONDC

મુંબઈઃ દેશમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી માર્કેટમાં હાલ ઝોમેટો અને સ્વિગીનું વર્ચસ્વ છે. આ બંને કંપનીને ટક્કર આપવા માટે સરકારે આ માર્કેટમાં ઝંપલાવ્યું છે. તેની કંપનીનું નામ છે ઓએનડીસી (ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ). ઓએનડીસીનું કહેવું છે કે દેશના 172 શહેરોમાં 50,000થી વધારે રેસ્ટોરન્ટ્સ ઓપન નેટવર્ક પર ઓનલાઈન ઓર્ડર્સ આપી રહી છે.

2023ના ફેબ્રુઆરીમાં ઓપન નેટવર્ક પર રેસ્ટોરન્ટ્સની સંખ્યા 500 હતી, જે ઓગસ્ટમાં વધીને 50,000 થઈ ગઈ છે, 2023ના અંત સુધીમાં આ આંકડો ડબલ કરવાની અમે નેમ ધરાવીએ છીએ. ગ્રાહકો પેટીએમ, પિનકોડ, મેજિકપીન, માઈસ્ટોર વગેરે જેવી બાયર્સ એપ્સ મારફત ઓએનડીસી નેટવર્ક પર એમના ફૂડનો ઓનલાઈન ઓર્ડર નોંધાવી શકે છે, એમ ઓએનડીસીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ થામ્પી કોશીએ કહ્યું છે.

ONDC એક ખાનગી નોન-પ્રોફિટ કંપની છે, જેની સ્થાપના કેન્દ્ર સરકારના પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ વિભાગ દ્વારા કરવામાં આવી છે. સરકારનો હેતુ ઓપન ઈ-કોમર્સ ક્ષેત્રના વિકાસનો છે.