નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે કે દેશમાં કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી ગયા છે તે છતાં દેશભરમાં ફરી લોકડાઉન લાગુ કરવાની સરકારની કોઈ યોજના નથી. અર્થતંત્ર સાવ મુશ્કેલીમાં મૂકાઈ જાય એવું સરકાર ઈચ્છતી નથી.
વર્લ્ડ બેન્ક ગ્રુપના પ્રમુખ ડેવિડ મેલપાસ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં સીતારામને વિકાસ માટે ભંડોળની ઉપલબ્ધતા વધી શકે એ માટે ભારત માટે ધિરાણનો અવકાશ વધારવાના પગલાં લેવા બદલ વર્લ્ડ બેન્કની સરાહના કરી હતી. કોરોનાવાઈરસ મહાબીમારીની બીજી લહેરનો ફેલાવો રોકવા માટે ભારત સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાંની જાણકારી પણ સીતારામને મેલપાસને આપી હતી. સીતારામને કહ્યું હતું કે બીજી લહેર ફેલાઈ ચૂકી હોવા છતાં અમે એ બાબતે અત્યંત સ્પષ્ટ છીએ કે અમે મોટા પાયે લોકડાઉન લાદીશું નહીં. અમે અર્થતંત્રને સાવ મુશ્કેલીમાં મૂકી દેવા ઈચ્છતા નથી. એને બદલે અમે સ્થાનિક સ્તરે કોરોના દર્દીઓને કે ઘરોને અલાયદા રાખવા, લોકોને ક્વોરન્ટીન અવસ્થામાં રાખવા જેવી પદ્ધતિઓ દ્વારા આ કટોકટીનો સામનો કરી રહ્યા છીએ. દેશમાં લોકડાઉન લાદવામાં નહીં આવે.