નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે એમની સરકાર ટૂંક સમયમાં જ દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના વિકાસ માટે રૂ. 100 લાખ કરોડનો ‘પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન’ શરૂ કરશે જે દેશભરમાં રોજગારની તકો ઊભી કરવામાં અને સર્વગ્રાહી રીતે માળખાકીય સવલતો ઊભી કરવામાં મદદરૂપ થશે.
દેશના 75મા સ્વાતંત્ર્યદિન નિમિત્તે લાલ કિલ્લા ખાતેથી કરેલા રાષ્ટ્રજોગા સંબોધનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ માસ્ટર યોજનાથી આપણા સ્થાનિક ઉત્પાદકો વૈશ્વિક સ્તરે હરીફાઈમાં ઉતરવા સક્ષમ બનશે. આ યોજનાથી ભવિષ્યમાં નવા આર્થિક ઝોન્સ પણ તૈયાર થઈ શકશે. વિકાસના માર્ગે આગળ વધવા માટે દેશને ઉત્પાદન તથા નિકાસ, બંને વધારવાની જરૂર છે. આપણે આ માટે નજીકના ભવિષ્યમાં રૂ. 100 લાખ કરોડવાળી પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન શરૂ કરવાના છીએ, જેનાથી યુવાઓ માટે રોજગારની તકોનું નિર્માણ થશે. સાત વર્ષ પહેલાં આપણો દેશ 8 અબજ ડોલરની કિંમતના મોબાઈલ ફોનોની આયાત કરતો હતો, આજે આપણે 3 અબજ ડોલરની કિંમતના મોબાઈલ ફોનોની નિકાસ કરીએ છીએ.