નવી દિલ્હીઃ ખામીભર્યા ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદકો સામે ભારત સરકાર કડક બનવાની છે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વપરાશમાં વધારો થાય એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે EV ટુ-વ્હીલરમાં આગ લાગવાની તાજેતરમાં અનેક ઘટનાઓ બની છે. તેથી કેન્દ્ર સરકાર એવા ખામીભર્યા વાહનો બનાવવા બદલ કંપનીઓ સામે કાયદેસર પગલું ભરવા વિચારે છે.
ગયા એપ્રિલ મહિનામાં, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ EV ઉત્પાદક કંપનીઓને ચેતવણી આપી હતી કે જો તેઓ બેદરકાર હોવાનું સાબિત થશે તો એમની સામે કડક પગલું ભરવામાં આવશે. એમને મોટી રકમનો દંડ ફટકારવામાં આવશે તેમજ ખામીભર્યા વાહનો પાછા લેવાનો એમને આદેશ પણ આપવામાં આવશે.
કેન્દ્ર સરકારી એજન્સી ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ની લેબોરેટરી, સેન્ટર ફોર ફાયર, એક્સ્પ્લોઝિવ એન્ડ એન્વાયર્નમેન્ટ સેફ્ટીએ કરેલા અભ્યાસનો અહેવાલ ગયા મહિને સરકારને સુપરત કર્યો હતો. એના આધારે સરકારે ઓલા, ઓકિનાવા, પ્યોર EV જેવી કંપનીઓને કારણ-દર્શક નોટિસ મોકલી હતી.