‘અકાસા એર’નાં ક્રૂ-સભ્યોનાં યૂનિફોર્મનો ફર્સ્ટ-લુક રિલીઝ કરાયો

મુંબઈઃ જાણીતા શેરબજાર ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના સમર્થનવાળી ‘અકાસા એર’ એરલાઈને તેના ચાલક દળ (ક્રૂ સભ્યો)નાં ગણવેશની પ્રથમ ઝલક જાહેર કરી છે. એરલાઈનનો દાવો છે કે આ યૂનિફોર્મ આરામદાયક અને ઈકો-ફ્રેન્ડ્લી છે.

(તસવીર સૌજન્યઃ અકાસા એર ટ્વિટર)

અકાસા એર દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે ક્રૂ સભ્યોને એમનાં વ્યસ્ત ફ્લાઈટ શેડ્યૂલ વખતે આરામદાયક બની રહે એ બાબતને ધ્યાનમાં રાખીને તેમજ પર્યાવરણની સંભાળને પણ ધ્યાનમાં રાખીને એમનો ગણવેશ તૈયાર કરવામાં આવ્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે આ પહેલી ભારતીય એરલાઈન છે, જેણે ક્રૂ મેમ્બર્સનાં ગણવેશમાં કસ્ટમ ટ્રાઉઝર અને જેકેટ રજૂ કર્યું છે. આ યૂનિફોર્મની વિશેષતા એ છે કે તેનાં વસ્ત્રો દરિયાઈ કચરામાંથી કાઢવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. પોશાકની ડિઝાઈન તૈયાર કરતી વખતે સૌંદર્ય, આરામદાયક સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. દિલ્હીસ્થિત ફેશન ડિઝાઈનર રાજેશ પ્રતાપ સિંહે કહ્યું છે કે, ક્રૂ સભ્યોનાં જેકેટની ડિઝાઈનની પ્રેરણા ભારતીય બંધગલા પહેરવેશમાંથી મેળવવામાં આવી છે અને એને મોડર્ન લુક આપવામાં આવ્યું છે. એમનાં જૂતાં પણ રીસાઈકલ્ડ રબરમાંથી બનાવવામાં આવ્યા છે અને એના ઉત્પાદનમાં પ્લાસ્ટિકનો જરાય ઉપયોગ કરાયો નથી. આ જૂતાં વજનમાં એકદમ હળવા છે અને પગની એડીથી લઈને અંગૂઠા સુધી વધારાનું કુશનિંગ (ગાદી)નો સમાવેશ કરાયો છે.

આ સ્ટાર્ટઅપ એરલાઈન કંપની આગામી અઠવાડિયાઓમાં તેની વિમાન સેવા શરૂ કરવા માટે સજ્જ બની છે. તેની વિમાન સેવા આ મહિનાના અંત સુધીમાં શરૂ થાય એવી ધારણા છે. એણે આ માટે 72 બોઈંગ-737-મેક્સ વિમાનોની ડિલીવરી મેળવી છે. હવે એર ઓપરેટર પરમિટ મળી ગયા બાદ તે કમર્શિયલ સેવાઓ શરૂ કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]