ગર્ભવતી હોવાછતાં આલિયા ‘બૈજુ બાવરા’નું શૂટિંગ કરશે

મુંબઈઃ સહ કલાકાર રણબીર સિંહ સાથે લગ્ન કર્યા બાદ ગર્ભવતી થઈ હોવાથી અને ટૂંક સમયમાં માતૃત્વ ધારણ કર્યા બાદ આલિયા ભટ્ટ એની ફિલ્મી કારકિર્દીને કેવી રીતે સંભાળી શકશે એ વિશેની અટકળો અને અફવાઓનો એક અહેવાલે અંત લાવી દીધો છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આલિયાએ નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની આગામી નવી સંગીતમય હિન્દી ફિલ્મ ‘બૈજુ બાવરા’નું શૂટિંગ ફરી શરૂ કરવાનું નક્કી કર્યું છે.

આલિયા જ્યારે ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં કામ કરતી હતી ત્યારે જ ભણસાલીએ એને ‘બૈજુ બાવરા’ ફિલ્મ બનાવવાની એમની યોજના વિશે જાણ કરી હતી. આલિયાએ તે ફિલ્મમાં કામ કરવાની પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી દીધી હતી. વાસ્તવમાં ‘બૈજુ બાવરા’નો રોલ કરવા દીપિકા પદુકોણ આતુર હતી. એણે ભણસાલીને ઉપરાછાપરી ત્રણ ફિલ્મ (‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદમાવત’)ને હિટ બનાવવામાં મદદ કરી હતી. પરંતુ ‘બૈજુ બાવરા’નો રોલ મેળવવામાં એ નિષ્ફળ ગઈ. ભણસાલીએ આલિયાને પસંદ કરી લીધી. ‘બૈજુ બાવરા’માં બૈજુના રોલ માટે અભિનેતાની પસંદગી હજી બાકી છે. મોટે ભાગે રણવીર સિંહ એ રોલ કરશે એવા અહેવાલો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]