‘ગુપ્ત’ને 25-વર્ષ પૂરા થયાઃ વિશેષ શોનું આયોજન

મુંબઈઃ સુપરહિટ નિવડેલી થ્રિલર ફિલ્મ ‘ગુપ્ત’ને રિલીઝ થયાને 25 વર્ષ પૂરા થયા છે. એ પ્રસંગની ઉજવણી સ્વરૂપે ફિલ્મના નિર્માતાઓએ ગઈ કાલે અહીં એક વિશેષ શોનું આયોજન કર્યું હતું. એમાં ફિલ્મનાં બે મુખ્ય કલાકારો – બોબી દેઓલ અને કાજોલે હાજરી આપી હતી. બંને જણ ખૂબ જ ખુશ હતાં અને પ્રેસ ફોટોગ્રાફરોને વિવિધ પોઝ પણ આપ્યાં હતાં. પ્રશંસકો સાથે એમણે વાતચીત પણ કરી હતી.

‘ગુપ્ત’ ફિલ્મ 1997માં રિલીઝ થઈ હતી. એમાં મનીષા કોઈરાલાએ પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. એ ફિલ્મમાં કાજોલે પહેલી જ વાર નકારાત્મક ભૂમિકા ભજવી હતી. એણે એક ઝનૂની અને હત્યારી ઈશાનો રોલ કર્યો હતો. એનાં અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. એને તે રોલ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો. ‘ગુપ્ત’ ફિલ્મના દિગ્દર્શક રાજીવ રાય હતા. ફિલ્મમાં ઓમ પુરી, રાજ બબ્બર અને કુલભૂષણ ખરબંદા જેવા અન્ય કલાકારો પણ હતા.