5G-સ્પેક્ટ્રમની હરાજીમાંથી સરકારે કરી રૂ.દોઢ ટ્રિલિયનની કમાણી

નવી દિલ્હીઃ 5G સ્પેક્ટ્રમની હરાજીની પ્રક્રિયા આજે સાતમા દિવસે સફળતાપૂર્વક સમાપ્ત થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારને આ હરાજીમાંથી વિવિધ ટેલિકોમ કંપનીઓ પાસેથી સ્પેક્ટ્રમ ખરીદી માટે કુલ રૂ. 1,50,173 કરોડ (દોઢ ટ્રિલિયન રૂપિયા)ની કમાણી થઈ છે. સરકારે 72,098 MHz સ્પેક્ટ્રમ વેચવાની હરાજીમાં ઓફર મૂકી હતી. એમાંથી 51,236 MHz વેચાઈ ગયા છે.

5G સ્પેક્ટ્રમ હરાજી માટે સાત દિવસમાં 40 રાઉન્ડ થયા હતા. આજે છેલ્લા દિવસે સરકારને રૂ. 43 કરોડની કમાણી થઈ છે. સરકાર રૂ. 4.3 ટ્રિલિયનની બેઝ પ્રાઈસ પર 72 ગીગાહર્ટ્ઝ વેચવા ધારે છે. હરાજીમાં રિલાયન્સ જિયો કંપની રૂ. 80,000 કરોડથી પણ વધારેની બોલી લગાવીને સૌથી મોખરે રહી. તે પછીના ક્રમે ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને અદાણી ગ્રુપ રહ્યા. રિલાયન્સ જિયોએ 700 બેન્ડમાં 10 MHz સ્પેક્ટ્રમ ખરીદવાનું નક્કી કર્યું છે. એ માટે તે સરકારને રૂ. 39,270 કરોડ ચૂકવશે.