નવી દિલ્હીઃ સરકારનો દેશમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેટલી ચારથી પાંચ જ બેન્ક કાર્યરત રાખવાનો ઉદ્દેશ છે. જેથી સરકાર જાહેર ક્ષેત્રની વધુ બેન્કોનું મર્જર કરવાની યોજના બનાવી રહી છે. હાલમાં દેશમાં સાત મોટી અને પાંચ નાની સરકારી બેન્ક છે. સંબંધિત બેન્કોને મહિનાના અંતે ફીડબેક આપવા નિર્દેશ આપવા માટે કહેવામાં આવ્યું છે. અમે ભવિષ્યની વ્યૂહરચનાને મજબૂત કરવા પહેલાં ઇન્ડિયન બેન્ક એસોસિયેશન (IBA) અને અન્ય સ્ટેકહોલ્ડર્સની સાથે વ્યાપક ચર્ચા કરીશું, એમ એક અધિકારીએ કહ્યું હતું.
કેન્દ્રએ વર્ષ 2019માં સરકારી બેન્કોને ચાર મોટી બેન્કોમાં વિલીનીકરણ કર્યું હતું. એનાથી 2017માં 27 બેન્કોની તુલનાએ સરકારી બેન્કોની સંખ્યા 12 થઈ ગઈ છે. આ વિલીનીકરણ એપ્રિલ 2020થી અમલમાં આવ્યું હતું.
યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા અને ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC)નું પંજાબ નેશનલ બેન્કમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે સિન્ડિકેટ બેન્કનું કેનેરા બેન્કમાં મર્જર થયું હતું. આ ઉપરાંત અલાહાબાદ બેન્કનું ઇન્ડિયન બેન્કમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં ભેળવી દેવામાં આવી હતી.
સરકારની બેન્કોના વિલીનીકરણ સિવાય સરકારી બેન્કોના ખાનગીકરણની પણ યોજના છે. છેલ્લા બે બજેટમાં બે સરકારી બેન્કોના ખાનગીકરણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કેટલાક લોકોનું માનવું છે કે સંભવિત રોકાણકારો સહિત સ્ટેકહોલ્ડર્સની સાથે વિચારવિમર્શ કર્યા પછી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે એવી વકી છે.