આશિષકુમાર ચૌહાણ એનએસઈના નવા એમડી, સીઈઓ તરીકે નિયુક્ત

મુંબઈઃ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) સંસ્થાએ આશિષકુમાર ચૌહાણને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ વિદાયલેનાર એમડી અને સીઈઓ વિક્રમ લિમયેના અનુગામી બન્યા છે, એમ CNBC-TV18ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

ચૌહાણ હાલ મુંબઈ શેરબજાર (બીએસઈ)ના એમડી અને સીઈઓ છે.

એનએસઈની ગવર્નિંગ બોડીએ નવા એમડી અને સીઈઓ હોદ્દો અખત્યાર ન કરે ત્યાં સુધી કંપનીની કામગીરીઓ સંભાળવા માટે એક આંતરિક એક્ઝિક્યૂટિવ કમિટીની રચના કરી છે. ચૌહાણ એમડી અને સીઈઓ તરીકેનો એમનો હોદ્દો સંભાળી લેશે એ પછી આ કમિટીનું વિસર્જન કરી દેવામાં આવશે.

લિમયેની પાંચ વર્ષની મુદત 16 જુલાઈએ પૂરી થઈ ગઈ છે. પાત્ર હોવા છતાં એમણે બીજી મુદત માટે પોતાને ચાલુ રાખવાની માગણી કરી નહોતી. 2017ના જુલાઈમાં, એનએસઈના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણની વિદાયને પગલે લિમયેને એનએસઈના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.