નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી અને રોડ સેસ વધારી દીધા છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ગ્રાહકો માટે યથાવત્ રહેશે. પેટ્રોલ પર 8 રૂપિયા રોડ સેસ અને 2 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી છે. આ રીતે પેટ્રોલની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ લીટર વધારો કરવામાં આવ્યો છે
ડીઝલ ઉપર પણ 8 રૂપિયા રોડ સેસ અને 5 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી છે. આમ કુલ 13 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ પર ભાવ વધારો થયો છે. વધેલા ભાવ મધરાતથી લાગુ થઈ ગયા છે. એક્સાઈઝ ડ્યૂટી અને રોડ સેસ વધવા છતાં ગ્રાહકોને માથે આ ભાવવધારો નહીં આવે, કારણ કે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આ વધેલા ભાવ ગ્રાહકોને પાસ ઓન કરવાનો નિર્ણય લીધો નથી પરંતુ તેઓ પોતે જ ભોગવશે.
આ ભાવવધારાથી સરકારને જે ફાયદો થશે તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી ક્રૂડ ઓઈલ કંપનીઓને સસ્તુ મળતું હતું આથી કંપનીઓ પાસે પોતાની બેલેન્સશીટ જાળવી લેવાની તક ઊભી થઈ હતી. જો કે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ફરીથી વધવા લાગ્યા છે અને હાલ તે લગભગ 30 ડોલર પ્રતિ બેરલની આજુબાજુ છે.
આ અગાઉ દિલ્હી સરકારે સોમવારે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ સાંજે પંજાબ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટર વધારાની જાહેરાત કરી. મધરાત બાદ આ નવા ભાવ લાગુ થઈ ગયા છે.