ગૂગલની પિતૃ-કંપની આલ્ફાબેટ 10,000 કર્મચારીઓને છૂટા કરશે

ન્યૂયોર્કઃ અમેરિકામાં આર્થિક મંદીના વાગી રહેલા ભણકારાને પગલે મેટા, એમેઝોન, ટ્વિટર, સેલ્સફોર્સ જેવી અનેક ધુરંધર ટેક્નોલોજી કંપનીઓએ એમના હજારો કર્મચારીઓને છૂટા કરી દીધા છે ત્યારે ટોળામાં હવે ગૂગલની પિતૃ કંપની આલ્ફાબેટ પણ સામેલ થઈ છે. એક અહેવાલ અનુસાર, ગૂગલ નવા રેન્કિંગ અને પરફોર્મન્સ ઈમ્પ્રુવમેન્ટ યોજના અંતર્ગત 10,000 કર્મચારીઓને છૂટાં કરવા વિચારે છે. આ નવી સિસ્ટમ અંતર્ગત મેનેજરોને જણાવવામાં આવ્યું છે કે તેઓ પોતપોતાના વિભાગમાં 6 ટકા સ્ટાફ ઘટાડે. આમ આ આંકડો કુલ 10,000 કર્મચારીઓ જેટલો થાય છે.

આલ્ફાબેટે જોકે હજી સુધી આ અહેવાલ અંગે કોઈ કમેન્ટ બહાર પાડી નથી. તેના કુલ આશરે 1,87,000 કર્મચારીઓ છે. આલ્ફાબેટે આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 13.9 અબજ ડોલરનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષની સરખામણીએ 27 ટકા ઓછો છે. વૈશ્વિક આર્થિક મંદીને કારણે કંપનીના નફાને માઠી અસર પડી છે. કંપનીના સીઈઓ સુંદર પિચાઈ આલ્ફાબેટને 20 ટકા વધારે સક્ષમ બનાવવા માગે છે અને એ માટે સ્ટાફમાં કાપ મૂકવાની આવશ્યક્તા વિશે એમણે સંકેત આપ્યો છે.