બાઝલ (સ્વિટ્ઝરલેન્ડ): બેન્કિંગ સેવાઓના નિરીક્ષણ માટે રચાયેલી બાઝલ કમિટીએ જણાવ્યું છે કે બિટકોઈન જેવી ક્રિપ્ટોએસેટ્સ બેન્કો ઉપર અધિક તથા વધારે મોટું જોખમ ઊભું કરે એવી છે. આવા સંપત્તિસાધનોની વિસ્તૃતપણે ચકાસણી અને સંશોધન કરવા પડે. કમિટીએ એમ પણ જણાવ્યું છે કે ક્રિપ્ટોએસેટ્સ આર્થિક સ્થિરતા માટે પણ જોખમી જણાય છે, કારણ કે એનાથી મની લોન્ડરિંગની ગેરપ્રવૃત્તિઓને પૂરો અવકાશ છે તેમજ કિંમતમાં બેફામ રીતે ફેરફારો થાય છે, જેને કારણે બેન્કોને મોટી આર્થિક ખોટ જાય.
નવા ઘડાયેલા દૂરદર્શી અને વ્યવહારકુશળ ધારાધોરણો અનુસાર બેન્કોએ એમની પાસે જે કોઈ ક્રિપ્ટોએસેટ્સ હોય તો એનું જોખમ આવરી લેવા માટે વધારે મૂડી ફાળવવાની જરૂર પડશે. ડિપોઝીટરો તથા બેન્કોના બીજા દિગ્ગજ લેણદારોને ક્રિપ્ટોએસેટ્સની કિંમતોમાં ઓચિંતો કડાકો બોલાવાને કારણે થતી મોટી ખોટ સામે રક્ષણ આપવું પડશે, કારણ કે ક્રિપ્ટોએસેટ્સની કિંમતોમાં અવારનવાર કડાકા બોલાતા હોય છે.