પહેલી જાન્યુઆરીથી ATM ચાર્જીસ વધીને ₹ 21 થશે  

નવી દિલ્હીઃ  હવે ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘું પડશે. ગ્રાહકો તેમના બેન્કના ATMથી દર મહિને પાંચ મફત વ્યવહારો (નાણાકીય-બિનનાણાકીય વ્યવહારો) કરી શકે છે. ગ્રાહકો અન્ય બેન્કના ATMમાંથી પણ મફત ટ્રાન્ઝેક્શનો માટે પાત્ર છે, જેમાં મેટ્રો સેન્ટરોમાંથી ત્રણ ટ્રાન્ઝેક્શન્સ અને નોન-મેટ્રો સેન્ટર્સમાંથી પાંચ ટ્રાન્ઝેક્શન્સ કરી શકે છે. જોકે મફત વ્યવહારો ઉપરના વ્યવહારો માટે ગ્રાહકોએ વ્યવહારદીઠ રૂ. 20 ચાર્જ ચૂકવવાનો રહે છે. રિઝર્વ બેન્કે એક જાહેરનામામાં જણાવ્યું હતું કે બેન્કોને ખર્ચમાં થયેલા વધારા સામે વળતર આપવા માટે અને ઇન્ટરચેન્જ ફીમાં વધારા માટે ગ્રાહક ચાર્જમાં વ્યવહારદીઠ વધારીને રૂ. 21 કરવા મંજૂરી આપી છે. જોકે આ વધારો એક જાન્યુઆરી, 2022થી લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત બેન્કે બધાં કેન્દ્રોમાં વ્યવહારદીઠ ઇન્ટરચેન્જ ફી પેટે રૂ. 15થી રૂ. 17 અને બિનનાણાકીય લેવડદેવડ માટે રૂ. 5-6 લગાવવાની મંજૂરી આપી છે. આ ચાર્જીસ એક ઓગસ્ટ, 2021 લાગુ થશે.

રિઝર્વ બેન્કે જૂન, 2019માં ઇન્ડિયન બેન્ક એસોસિયેશનના ચીફ એક્ઝિક્યુટિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી, જેણે ATM ચાર્જીસ અને ફી- ખાસ કરીને ATM વ્યવહારો પર સમીક્ષા કરી હતી. આ સમિતિની ભલામણોની વ્યાપક છણાવટ કરી હતી.

આ પહેલાં ATM વ્યવહારો પરના ઇન્ટરચેન્જ ફી માળખામાં ઓગસ્ટ, 2012માં ફેરફાર કરવામાં આવ્યો હતો, જ્યારે ગ્રાહકો દ્વારા અપાતા ચાર્જીસને છેલ્લે ઓગસ્ટ, 2014માં સંશોધિત કરવામાં આવ્યા હતા. ATMની જાળવણીનો ખર્ચ, ATM ઓપરેટરો દ્વારા કરવામાં આવતા ખર્ચને ધ્યાનમાં રાખીને સ્ટેકહોલ્ડર કંપનીઓ અને ગ્રાહકોની અપેક્ષાઓને સંતુલિત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેન્કે ચાર્જ વધારવાનો નિર્ણય લીધો હતો.