GE ભારતીય સેનાનાં વિમાનોનાં જેટ એન્જિન બનાવશે

ન્યુ યોર્કઃ જનરલ ઇલેક્ટ્રિક (GE) ભારતીય સેનાનાં વિમાનો માટે જેટ એન્જિનનું ઉત્પાદન કરશે. જોકે આ સમજૂતી પર બાઇડન વહીવટી તંત્ર દ્વારા હસ્તાક્ષર અને ઘોષણા કરવાની બાકી છે. આ ઘોષણા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન 22 જૂને વડા પ્રધાન મોદીની સત્તાવાર રાજકીય મુલાકાત દરમ્યાન કરશે.

વ્હાઇટ હાઉસે જાન્યુઆરીમાં કહ્યું હતું કે એને ભારતમાં સંયુક્ત રૂપે એન્જિનનું ઉત્પાદન કરવા માટે એક અરજી મળી હતી. જોકે એની પુષ્ટિ અત્યાર સુધી નથી થઈ. GEએ હાલમાં કોઈ પણ ટિપ્પણી કરી નથી.  અમેરિકા દક્ષિણ એશિયામાં ચીનનું પ્રભુત્વ ખાળવા માટે ભારત સાથેના સંબંધોને ગાઢ બનાવવા ઇચ્છે છે. જોકે ચીને હાલમાં ધ ગ્લોબલ ટાઇમ્સમાં લખેલા લેખમાં ભારતને પશ્ચિમી દેશો ખાસ કરીને અમેરિકાથી દેશના શોષણ અને ચીનની સામે ઊભા રહેવા બદલ સતર્ક રહેવા કહ્યું હતું.

જાહેર ક્ષેત્રની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL)એ પહેલાં કહ્યું હતું કે કંપની બીજી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટમાં GE-નિર્મિત 414 એન્જિનનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે અને એ એન્જિનોના ઘરેલુ ઉત્પાદન પર વાતચીત કરી રહી છે. GEએ લાયસન્સ પ્રાપ્ત નિર્માતાના રૂપે એન્જિનોનું ઉત્પાદન કરવા માટે HAL ને કેટલીક ટેક્નોલોજી હસ્તાંતરણ કરવાની રજૂઆત કરી છે. બીજી બાજુ ભારતે વધુ ટેક્નોલોજી શેર કરવા પર ભાર મૂક્યો છે. જોકે આ સોદાને અંતિમ રૂપ આપવામાં નથી આવ્યું. એ માટે અમેરિકી કોંગ્રેસને નોટિફિકેશન જારી કરવાની જરૂર છે. HAL ભારતીય એરફોર્સ માટે બનાવવામાં આવી રહેલાં 83 લાઇટ કોમ્બેટ વિમાનો માટે GE એન્જિનનો ઉપયોગ કરી રહી છે.