આનંદો.. GST લાગુ થયા પછી જીડીપી ગ્રોથ વધીને 6.3 ટકા આવ્યો

નવી દિલ્હી– જુલાઈથી સપ્ટેમ્બર સુધીના બીજા ત્રિમાસિકગાળામાં જીડીપી ગ્રોથ 6.3 ટકા નોંધાયો છે. પ્રથમ ત્રિમાસિકગાળામાં જીડીપી ગ્રોથ 5.7 ટકા આવ્યો હતો, જે ત્રણ વર્ષનો સૌથી નીચો દર હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલી જુલાઈથી જીએસટી લાગુ થયો હતો, અને તે પછી જીડીપી ગ્રોથ જાહેર થયો છે, અને તે 5.7 ટકાથી વધીને 6.3 ટકા આવ્યો છે. મોદી સરકારે રાહતનો શ્વાસ લીધો છે.

  • જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં મેન્યુફેકચરિંગ સેકટરનો ગ્રોથ 1.2 ટકાથી વધી 7 ટકા થયો છે.
  • ઈલેક્ટ્રીસિટીનો ગ્રોથ 7 ટકાથી વધી 7.6 ટકા થયો
  • ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોથ 5.9 ટકાથી સામાન્ય ઘટી 5.8 ટકા નોંધાયો
  • ટ્રેડ, હોટલ અને ટ્રાન્સપોર્ટનો ગ્રોથ 9.9 ટકા રહ્યો
  • માઈનિંગ ગ્રોથ -0.7 ટકાથી વધી 5.5 ટકા થયો
  • ખેતીવાડીનો ગ્રોથ 2.3 ટકાથી ઘટી 1.7 ટકા રહ્યો
  • રિઅલ એસ્ટેટ સેકટરનો ગ્રોથ 6.4 ટકાથી ઘટી 5.7 ટકા નોંધાયો
  • ડિફેન્સ એન્ડ અન્ય સર્વિસીઝનો ગ્રોથ 9.7 ટકાથી ઘટી 6 ટકા થયો

નાણાપ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે ભારતીય ઈકોનોમીમાં સતત સુધારો થતો રહ્યો છે, અને હવે જીડીપી ગ્રોથ વધીને 7-8 ટકા થવાની ધારણા છે. ત્રણ વર્ષમાં પહેલી વાર એમ થયું છે કે ભારતીય ઈકોનોમી પોઝિટિવ દિશામાં જઈ રહી છે.

સતત પાંચ કવાર્ટરથી જીડીપી ગ્રોથ ઘટી રહ્યો હતો. પણ હવે જીડીપી ગ્રોથ વધીને આવ્યો છે, તે ભારતીય ઈકોનોમી માટે આનંદના સમાચાર છે.