ફીસ્કલ ડેફિસીટ વધીઃ શેરબજારનો સેન્સેક્સ 453 પોઈન્ટ ગબડ્યો

અમદાવાદ– ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ અને ફીસ્કલ ડેફિસીટ ખાસ્સી વધીને આવતાં શેરબજારમાં ગાબડુ પડ્યું હતું. આજે સાંજે બીજા ત્રિમાસિકગાળાનો જીડીપી ગ્રોથનો આંક જાહેર થનાર છે. જેથી તેજીવાળા ખેલાડીઓએ શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ વેચવાલી કાઢી હતી, અને શેરોના ભાવ ટ્રેડિંગ સેશન દરમિયાન એકતરફી તૂટ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 453.41(1.35 ટકા) ગબડી 33,149.35 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 134.75(1.30 ટકા) તૂટી 10,226.55 બંધ થયો હતો.સરકારે આજે એપ્રિલથી ઓકટોબરનો ફીસ્કલ ડેફિસીટના આંકડા જાહેર કર્યા હતા. જે મુજબ નાણાકીય ખાદ્ય વધીને 5.2 લાખ કરોડ થઈ છે. જે વીતેલા કવાર્ટરમાં 4.2 લાખ કરોડ હતી. ખર્ચમાં પણ વધારો નોંધાયો છે. કુલ ખર્ચ 1.2 લાખ કરોડથી વધી 1.4 લાખ કરોડ થયો છે અને ટેક્સની આવક 1.23 લાખ કરોડથી વધી 1.39 લાખ કરોડ થઈ છે. આમ આંકડા જાહેર થતાની સાથે જ હવે સાંજે જાહેર થનાર જીડીપી પણ ઘટીને આવશે, તેવા ભય પાછળ શેરોની જાતે-જાતમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી, અને આમ પણ સતત 8 દિવસની એકતરફી તેજી પછી માર્કેટ હાઈલી ઓવરબોટ પોઝીશનમાં હતું, પરિણામે તેજીવાળા ઓપરેટરોએ લેણ હળવા કર્યા હતા.

  • એસબીઆઈએ ડિપોઝિટ પરના વ્યાજ દર 1 ટકા વધારી દીધો છે, જેથી હવે આરબીઆઈ આગામી ધીરાણ નીતિમાં વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી શકયતા ઓછી છે.
  • બેંકોનો રીકેપિટલાઈઝેશન પ્લાન સંસદમાં મોડો પહોંચશે, જેવા સમાચાર પાછળ બેંક શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી.
  • આજે ગુરુવારે નવેમ્બર એફ એન્ડ ઓની એક્સપાયરી હતી.
  • આજે હેવીવેઈટ શેરોમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, એચડીએફસી, આઈટીસી, ઓએનજીસી, મારૂતિ, ટીસીએસ અને ઈન્ફોસીસમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા.
  • આજે મોટાભાગના તમામ સેકટરના શેરોના ભાવમાં ગાબડા પડ્યા હતા.
  • બુધવારે એફઆઈઆઈએ રૂપિયા 859 કરોડનું વેચાણ કર્યું હતું, સામે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 771 કરોડનું રોકાણ કર્યું હતું.
  • આજે બેકિંગ સેકટરના શેરોમાં કડાકો બોલી ગયો હતો. બેંક ઈન્ડેક્સ 500થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો.
  • રોકડાના શેરોમાં મીડકેપ ઈન્ડેક્સ 93.07 માઈનસ હતો, જ્યારે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 17.80 પ્લસ હતો.
  • આજે સૌથી વધુ ગગડેલા શેરઃ યુપીએલ(2.78 ટકા), હિન્દાલકો(2.61 ટકા), એસબીઆઈ(2.60 ટકા), રીલાયન્સ(2.58 ટકા) અને એક્સિસ બેંક(2.57 ટકા).
  • સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ ગેઈલ(1.35 ટકા), બોસ(1.34 ટકા), આઈડિયા સેલ્યુલર(1.12 ટકા), ડૉ. રેડ્ડી લેબ(0.32 ટકા), ભારતી એરટેલ(0.14 ટકા).