નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કોરોના વાઈરસના જંગના સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ’ અંતર્ગત 20 લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજની ફાળવણી મુદ્દે આજે ચોથી વાર પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી અને ગ્રામીણ રોજગાર (‘મનરેગા’ યોજના), ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ, તથા શિક્ષણ ક્ષેત્રે સુવિધા પૂરી માટે પૂરા પાડવામાં આવનાર ભંડોળ વિશે જાણકારી આપી હતી.
સીતારામન દ્વારા 20 લાખ કરોડના પેકેજની ફાળવણીની જાણકારી આપતો આ પાંચમો અને આખરી હપ્તો હતો.
આજની પત્રકાર પરિષદમાં સીતારામને કોરોના વાઈરસને કારણે માઠી અસર પામનાર ઉદ્યોગ-વેપાર, કંપનીઝ એક્ટમાં સુધારા, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝમાં સુધારાની ઘોષણા કરી હતી.
સરકારે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગારન્ટી સ્કીમ (MGNREGS) (મનરેગા) હેઠળ કામકાજ હાથ ધરવા માટે રૂ. 40,000 કરોડની ફાળવણી કરી છે. સાથોસાથ, નાણાં પ્રધાન સીતારામને નાના વેપાર-ઉદ્યોગો (MSMEs)નો સમાવેશ કરવા માટે વિશેષ ઈન્સોલ્વન્સી ફ્રેમવર્કની પણ જાહેરાત કરી છે.
ગામડાઓમાં રોજગારને અપાશે પ્રોત્સાહન
નાણાં પ્રધાને કહ્યું કે સરકારની યોજનાથી દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારની વધુ ને વધુ તકો ઊભી થશે.
ઉલ્લેખનીય છે કે, ‘મનરેગા’ માટે મોદી સરકારે ગત્ કેન્દ્રીય બજેટમાં રૂ. 61,000 કરોડની ફાળવણીનું એલાન કર્યું હતું.
સીતારામને આજે કહ્યું કે, કોરોના મહાબીમારીથી બચવા માટે વધુ ને વધુ ગ્રામીણ લોકો શહેરોમાંથી પોતપોતાના વતન-ગામ જતા રહ્યા છે કે જઈ રહ્યા છે. એ પરિસ્થિમાં, ગામડાઓમાં રોજગારની નવી તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. માટે જ સરકારે ‘મનરેગા’ અંતર્ગત વધુ ભંડોળ ફાળવ્યું છે. રૂ. 40 હજાર કરોડના અતિરિક્ત ભંડોળને કારણે કુલ 300 કરોડ માનવ દિવસોનું કામ માટે નિર્માણ કરી શકાશે.
‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’: કેશ ક્રાઈસિસમાં સપડાયેલી કંપનીઓને રાહત
દેશમાં ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સંકલ્પને બળ પૂરું પાડવા માટે નાણાં પ્રધાને મોટી જાહેરાત કરી છે. એમણે કહ્યું કે આવતા એક વર્ષ સુધી કોઈ પણ નવી ઈન્સોલ્વન્સી (દેવાળીયા) પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે. મતલબ કે આજથી એક વર્ષ સુધી નવી દેવાળીયા પ્રક્રિયાને સંપૂર્ણપણે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આનો મોટો લાભ MSME સેક્ટરને થશે. તદુપરાંત નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે એક સ્પેશિયલ દેવાળીયા પ્રોસીજર તૈયાર કરવામાં આવશે.
દેવાળીયા પ્રક્રિયા શરૂ કરવા માટે લઘુત્તમ ડિફોલ્ટની રકમને વધારીને રૂ. 1 કરોડ કરવામાં આવી છે. પહેલા આ રકમ 1 લાખ રૂપિયા હતા. વાસ્તવિક્તા એ છે કે કોરોના-લોકડાઉનને કારણે વેપાર-ધંધા સદંતર ઠપ છે. આવા સંજોગોમાં સરકારના આ નિર્ણયથી આર્થિક સંકટમાં સપડાયેલી કંપનીઓને મોટી રાહત મળશે.
કંપનીઝ એક્ટ અંતર્ગત કંપનીઓને ડીક્રિમિનલાઈઝેશનનો લાભ અપાશે. જો કોઈ ટેકનિકલ અને પ્રોસીજરલ પ્રકારની નાની ભૂલ હશે તો કંપનીઓ પર ગુનાઈત કાર્યવાહી કરવામાં નહીં આવે. કંપનીઓને નાના ઉલ્લંઘનો પર ગુનાઈત કેસોમાં ઢસડવામાં નહીં આવે. આને લીધે જ ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ ઉદ્દેશ્યને બળ મળશે.
યુનિવર્સિટીમાં ઓનલાઈન ભણતર મેળવી શકાશે
નાણાં પ્રધાન સીતારામને શિક્ષણ ક્ષેત્ર માટે કરેલી જાહેરાતમાં કહ્યું કે ટૂંક સમયમાં જ ‘પીએમ ઈ-વિદ્યા’ યોજના લોન્ચ કરાશે. આ યોજના ડિજિટલ અથવા ઓનલાઈન શિક્ષણ માટેનો હશે. 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે ‘વન ક્લાસ, વન ચેનલ’ યોજના શરૂ કરાશે.
નવી યોજના અંતર્ગત રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્કૂલ શિક્ષણ માટે દીક્ષા પ્રોગ્રામ હશે. એમાં તમામ વર્ગો માટે ઈ-કન્ટેન્ટ, અને ક્યૂઆર કોડ એનર્જાઈઝ્ડ ‘વન-નેશન, વન ડિજિટલ પ્લેટફોર્મ’ શરૂ કરાશે. 1થી 12મા ધોરણ માટે પ્રતિ વર્ગ એક નિશ્ચિત ટીવી ચેનલ હશે. એ યોજનામાં રેડિયો, પોડકાસ્ટ, કમ્યુનિટી રેડિયોનો ઉપયોગ કરાશે.
આ યોજનામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આવરી લેવામાં આવશે. એમને માટે વિશેષ ઈ-કન્ટેન્ટ તૈયાર કરાશે.
ટોચની 100 કોલેજોને ઓનલાઈન કોર્સીસની શરૂઆત કરવા માટે 30 મે સુધી પરવાનગી અપાશે.
પીએમ ઈ-વિદ્યા ઉપરાંત મનોદર્પણ કાર્યક્રમ પણ શરૂ કરાશે જે અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને એમના પરિવારજનોને મનોવૈજ્ઞાનિક સપોર્ટ માટે હશે. એમના માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક ઉત્કર્ષ માટે આ કાર્યક્રમ હશે.