મુંબઈઃ અમેરિકાની મલ્ટીનેશનલ રીટેલ કંપની અમેરિકા તથા દુનિયામાં ઘણે ઠેકાણે હાઈપરમાર્કેટ્સ, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સની ચેન ધરાવે છે. ભારતમાં તેના બિઝનેસ એકમો છે – ફ્લિપકાર્ટ માર્કેટપ્લેસ અને ફોનપે પેમેન્ટ. આ બંને પેટાકંપની ભારતમાં જોરદાર વૃદ્ધિ હાંસલ કરી રહી છે અને તેઓ 100 અબજ ડોલરના મૂલ્યવાળા બિઝનેસ બની શકે છે. આવું વોલ્માર્ટના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસરે એક ઈન્વેસ્ટર સંમેલનમાં જણાવ્યું હતું.
વોલ્માર્ટે ફ્લિપકાર્ટ અને ફોનપેના વેચાણના આંકડા બહાર પાડ્યા નથી, પરંતુ કંપનીના એક્ઝિક્યૂટિવ્સે આવતા પાંચ વર્ષમાં વિદેશી બજારોમાં કુલ વ્યાપાર બમણો કરીને 200 અબજ ડોલરના આંકે પહોંચાડવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે છેલ્લા અમુક મહિનાઓમાં આ બે પેટાકંપનીને મહત્ત્વની ચાલક-પરિબળ તરીકે ઓળખાવતા રહ્યા છે.
વોલ્માર્ટના આંતરરાષ્ટ્રીય વડા કહી ચૂક્યા છે કે એક અબજ 40 લાખની વસ્તી ધરાવતા ભારતમાં વ્યાપાર વધારવા વોલ્માર્ટ માટે ભરપૂર તક રહેલી છે. 30 એપ્રિલે પૂરા થયેલા તાજેતરના ક્વાર્ટરમાં ફ્લિપકાર્ટે ડબલ-આંકનો વૃદ્ધિદર હાંસલ કર્યો હતો. કેટલાક શહેરોમાં નવા ગ્રાહકો મળતાં તેનું વેચાણ 50 ટકા જેટલું વધી ગયું છે. 2022માં ફ્લિપકાર્ટની વેલ્યૂ 40 અબજ ડોલર હતી અને ભારતની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ તરીકે ઓળખાય છે.