જાપાની અધિકારીઓને ટ્રેન પ્રોજેક્ટ સમયસર પૂરો કરવાની ફડણવીસની હૈયાધારણ

મુંબઈઃ મહારાષ્ટ્રના ઉપ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાપાનના કાઉન્સિલ જનરલ ફુકાહોરી યાસુકાતાને બુલેટ ટ્રેનના ફાસ્ટ-ટ્રેકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે હૈયાધારણ આપી હતી. આ પ્રોજેક્ટમાં જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (JICA) દ્વારા નાણાંનું ધિરાણ કરવામાં આવ્યું છે. તેમણે બુધવારે મુંબઈમાં યાસુકાતા અને અન્ય જાપાની અધિકારીઓ સાથે બેઠક દરમ્યા બુલેટ ટ્રેનની કામગીરી માટે આશ્વાસન આપ્યું હતું.

વડા પ્રધાનના આ મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનનો હાઇ સ્પીડ રેલવે પ્રોજેક્ટ અમદાવાદ અને મુંબઈની વચ્ચે સ્થપાનારો છે, જેમાં બુલેટ ટ્રેનનો ઉદ્દેશ અમદાવાદ-મુંબઈ વચ્ચે પ્રતિ કલાક 320ની ઝડપે ટ્રેન ચલાવવાનો છે.

આ ઉપરાંત JICA દ્વારા આગામી મુંબઈ મેટ્રો-3 લાઇન અને મુંબઈ ટ્રાન્સ-હાર્બર (MTHL પ્રોજેક્ટ માટે પણ ફંડ આપવામાં આવનાર છે. એક વાર આ પ્રોજેક્ટ પૂરો થયા પછી MTHL દેશનો સૌથી લાંબો સમુદ્ર પરનો પૂલ હશે, જેની લંબાઈ 21.8 કિલોમીટર હશે.

યાસુકાતા સિવાય આ પ્રોજેક્ટના મિશન માટે ડેપ્યુટી કનેકો તોશિલહિરો અને અન્ય વરિષ્ઠ જાપાની અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા. ફડણવીસે એક સોશિયલ મિડિયામાં પોસ્ટમાં કહ્યું હતું કે અમે JICA દ્વારા ધિરાણ કરવામાં આવેલા પ્રોજેક્ટો જેવા કે બુલેટ ટ્રેન. MTHL અને મેટ્રો-3 લાઇન પર વિચારવિમર્શ કર્યો હતો. મેં તેમને આશ્વાસન આપ્યું હતું કે એ સરકાર આ બધા પ્રોજેક્ટોને ઝડપથી ટ્રેક કરીને સમયસર પૂરો કરવા માટે પ્રતિબદ્ધ છે.